- નવા ચૂંટણી કમિશનરની નિમણૂકને લઇને ધમધમાટ
- વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ મોટો દાવો
- બે નામ ફાઇનલ કરાયા હોવાનો અધીર રંજન ચૌધરીનો દાવો
દેશના બે નવા ચૂંટણી કમિશનરની નિમણૂકને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અધીર રંજન ચૌધરીએ મોટો દાવો કર્યો છે. પીએમ નરેન્દ્ર મોદી અને કાયદા મંત્રી અર્જુન મેઘવાલ સાથેની બેઠક બાદ અધીર રંજને કહ્યું કે નવા ચૂંટણી કમિશનરો માટે જ્ઞાનેશ કુમાર અને વી સંધુના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે
અધીર રંજને કર્યો દાવો
અધીર રંજનએ નવા ચૂંટણી કમિશનરોના નામ અંગે દાવો કર્યો કે જ્ઞાનેશ કુમાર કેરળના છે, જ્યારે બીજા વી.સંધુ પંજાબના છે. તેમણે વધુમાં કહ્યું કે તેઓ આ પસંદગી પ્રક્રિયાને સમર્થન આપતા નથી. કોઈપણ રીતે સરકાર પાસે સમિતિમાં બહુમતી છે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે તેમને એક રાત પહેલા જ 212 નામોની યાદી મળી હતી. આટલા ઓછા સમયમાં 212 નામોની તપાસ અને સમીક્ષા કરવી શક્ય નથી. બેઠકમાં સરકાર દ્વારા 212માંથી 6 નામ આપવામાં આવ્યા હતા.
કોણ છે જ્ઞાનેશ કુમાર ?
ઉલ્લેખનીય છે કે જ્ઞાનેશ કુમાર થોડા દિવસો પહેલા જ સહકાર મંત્રાલયના સચિવ પદ પરથી નિવૃત્ત થયા છે. તેમણે મંત્રાલયની રચનાના સમયથી અત્યાર સુધી કામ કર્યું છે. સહકાર મંત્રાલય ગૃહમંત્રી અમિત શાહ હેઠળ આવે છે. અગાઉ જ્ઞાનેશ કુમાર ગૃહ મંત્રાલયમાં કાશ્મીર વિભાગના સંયુક્ત સચિવ હતા, તેમના સમયમાં જ કલમ 370 હટાવવામાં આવી હતી. જ્ઞાનેશ કુમારે જમ્મુ-કાશ્મીરને કેન્દ્રશાસિત પ્રદેશમાં ફેરવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગૃહ મંત્રાલય સાથે કામ કરતી વખતે તેમણે જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠન બિલની તૈયારીમાં પણ સક્રિય ભૂમિકા ભજવી હતી. ગૃહમંત્રાલયમાં જ્ઞાનેશને બઢતી મળતા તેઓ એડિશનલ સેક્રેટરી પણ બન્યા હતા. તેઓ કેરળ કેડરના 1988 બેચના IAS અધિકારી છે.









