બાંગ્લાદેશ પર બનેલા હવાના ભારે દબાણના પટ્ટાને કારણે દેશનાં પાંચ રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે. ખાસ કરીને પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઉત્તરપ્રદેશ, ઝારખંડ તેમજ છત્તીસગઢમાં વરસાદ તબાહી મચાવે તેવી સંભાવના છે.
પશ્ચિમ અને મધ્ય ભારતમાં કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ, વિદર્ભ, મહારાષ્ટ્ર અને મરાઠાવાડમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી કરાઈ છે. આ ઉપરાંત ઉત્તરાખંડ, હિમાચલપ્રદેશ, પૂર્વોત્તરના રાજ્યોમાં 20મી સુધી મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે. ઉત્તરપ્રદેશમાં અનરાધાર વરસાદને કારણે છેલ્લા 48 કલાકમાં 21 લોકોનાં મોત થયા છે. આગરામાં મુશળધાર વરસાદથી 185 મકાનો પડી ગયા છે. હરિયાણાનાં ફરિદાબાદમાં રેલવે અંડરબ્રિજમાં ભરાયેલા પાણીમાં કાર ડૂબી જતા એક બેન્કનાં મેનેજર અને કેશિયરનું મોત થયું છે. ઉત્તરાખંડમાં ગંગા, કોસી તેમજ કાલી નદી ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. જમીન ધસી પડવાથી 200 રસ્તાઓ બંધ થઈ ગયા છે. રસ્તાઓને ભારે નુકસાન થતા ચારધામ યાત્રા રોકવામાં આવી છે.
11 રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી
હવામાન ખાતાએ રવિવારે 11 રાજ્યોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની આગાહી કરી છે. જેમાં ઝારખંડમાં 12 મી.મી વરસાદની ધારણા છે. છત્તીસગઢ, પશ્ચિમ બંગાળના ગંગા કાંઠાના વિસ્તારો, બિહાર, ઓડિશા, અરુણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ તેમજ ત્રિપુરામાં ભારે વરસાદ પડી શકે છે.
મધ્યપ્રદેશમાં 100થી વધુ ગામોનો સંપર્ક કપાયો
મધ્યપ્રદેશમાં મુશળધાર વરસાદ પડવાથી ગ્વાલિયર અને ચંબલમાં આસન, ક્વારી, સિંધ અને ચંબલ નદીઓ છલકાઈ ગઈ છે. અનેક પુલ અને રસ્તાઓ પરથી પાણી વહી રહ્યા છે. જેને કારણે 100થી વધુ ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. પ્રયાગરાજમાં ગંગાની સપાટી વધતા નદી કિનારાના મંદિરો સુધી પાણી પહોંચી ગયું છે. વારાણસીમાં પણ ગંગાની સપાટીમાં વધારો થતાં કાંઠાના ગામોને સાબદા કરાયા છે.
આ વર્ષે ચોમાસુ વધુ 16 દિવસ સક્રિય રહી શકે છે
સામાન્ય રીતે દેશમાંથી ચોમાસુ 18 સપ્ટેમ્બર પછી ધીમેધીમે વિદાય લેતું હોય છે પણ આ વર્ષે વધુ 16 દિવસ તે સક્રિય રહે તેવી સંભાવના છે. આમ સપ્ટેમ્બરના અંત સુધી કેટલાક રાજ્યોમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. ખાનગી હવામાન સંસ્થા સ્કાયમેટના જણાવ્યા મુજબ ઓક્ટોબરમાં પણ ક્યાંક વરસાદ પડી શકે છે. આ વર્ષે ચોમાસામાં સામાન્ય કરતા 8 ટકા વધુ વરસાદ પડયો છે. 108 ટકા વરસાદ પડી ચૂક્યો છે.