• મધ્યપ્રદેશના શિવપુરીથી દિલ્હી જતી બસને નડ્યો અકસ્માત
  •  ઉત્તર પ્રદેશના પ્રતાપગઢથી આનંદ વિહાર જતી બસને મારી ટક્કર
  • અકસ્માતમાં ત્રણના મોત, અનેક ઇજાગ્રસ્ત

રાષ્ટ્રીય રાજધાની દિલ્હીને અડીને આવેલા ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં રવિવારે સવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. મધ્યપ્રદેશના શિવપુરીથી દિલ્હી જતી બસ અને ઉત્તર પ્રદેશના પ્રતાપગઢથી આનંદ વિહાર જતી બસ એકબીજા સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે.

મળતી માહિતી મુજબ, પરી ચોકને નોઈડાથી જોડતા નોઈડા-ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર આ અકસ્માત થયો હતો. એવું કહેવાય છે કે એક બસ (MP 04 PA 3243) મધ્ય પ્રદેશના શિવપુરીથી દિલ્હી જઈ રહી હતી. બીજી બસ (UP17 AT 6460) પ્રતાપગઢથી આનંદ વિહાર જઈ રહી હતી.

નોઈડા-ગ્રેટર નોઈડા એક્સપ્રેસ વે પર સેક્ટર 157ની સામે આ બંને લાંબા અંતરની બસો એકબીજા સાથે અથડાઈ હતી. કહેવાય છે કે બંને બસની ટક્કર એટલી જોરદાર હતી કે વાહનના ફુરચા ઉડી ગયા હતા. ઘટના સવારે 5 વાગ્યાની આસપાસની કહેવાય છે. બે બસની ટક્કર બાદ ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો.

આ ઘટના અંગે એક રાહદારીએ પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં જ ગ્રેટર નોઈડા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કાર્ય શરૂ કર્યું. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ ટીમે બંને બસમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા અને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા. બસ અકસ્માતમાં ઘાયલ ત્રણ લોકોનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અન્ય ઘાયલોની સારવાર ચાલી રહી છે.

  • Follow us on: