મંગળવારે સવારે ડેલ્ફ્ટ ટાપુ નજીક શ્રીલંકાના નૌકાદળના ગોળીબારમાં પાંચ ભારતીય માછીમારો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે. જેમાંથી બેની હાલત ગંભીર હોવાનું કહેવાય છે. જ્યારે અન્ય ત્રણ માછીમારોને નાની મોટી ઇજાઓ થઈ હતી. ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ આ ઘટના પર કડક પ્રતિક્રિયા આપી છે. શ્રીલંકાના કાર્યકારી ઉચ્ચાયુક્તને સમન્સ પાઠવીને આ કાર્યવાહી સામે ઔપચારિક વિરોધ વ્યક્ત કર્યો છે.
ભારતીય માછીમારોની કરાઇ હતી ધરપકડ
આ કાર્યવાહીને અસ્વીકાર્ય ગણાવતા MEA એ જણાવ્યું હતું કે મંગળવારે વહેલી સવારે ડેલ્ફ્ટ ટાપુ નજીક કરાઈકલ બંદરથી માછીમારી કરવા ગયેલા 13 ભારતીય માછીમારોની શ્રીલંકાના નૌકાદળ દ્વારા દરિયાઈ સરહદ પાર કરવાના આરોપસર ધરપકડ કરવામાં આવી હતી. આ સમય દરમિયાન શ્રીલંકન નૌકાદળ દ્વારા ગોળીબારની માહિતી પણ મળી હતી.
ફાયરિંગમાં 5 માછીમારો ઇજાગ્રસ્ત
નિવેદન અનુસાર માછીમારોનું જૂથ પરુથી થુરાઈ નજીક માછીમારી કરી રહ્યું હતું ત્યારે શ્રીલંકન નૌકાદળની પેટ્રોલ બોટ દ્વારા તેમને ઘેરી લેવામાં આવ્યા હતા. શ્રીલંકાના નૌકાદળે દરિયાઈ સરહદ પાર કરવા બદલ એક માછીમારી બોટ અને 13 માછીમારોની ધરપકડ કરી હતી. માછીમારો દ્વારા બોટને તમિલનાડુ તરફ લઈ જવાનો પ્રયાસ કરાતા શ્રીલંકાના નૌકાદળે કથિત રીતે ગોળીબાર કર્યો હતો. એક માછીમારને પગમાં ગોળી વાગી હતી, જ્યારે બીજા માછીમારને કોઈ વસ્તુ વાગવાથી ઈજા થઈ હતી. ધરપકડ કરાયેલા માછીમારોને કાંગેસંથુરાઈ પોલીસને સોંપવામાં આવ્યા હતા.
હોસ્પિટલમાં કરાયા દાખલ
વિદેશ મંત્રાલયે તેના નિવેદનમાં જણાવ્યું હતું કે 13 ઘાયલ માછીમારોમાંથી બે માછીમારનું જાફના ટીચિંગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે તે જહાજ પર સવાર વધુ ત્રણ માછીમારોને નાની મોટી ઇજાઓ થઈ હતી. તેઓને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ વચ્ચે જાફનામાં ભારતીય કોન્સ્યુલેટના અધિકારીઓએ ઘાયલ માછીમારોને મળ્યા છે અને તેમને શક્ય તમામ મદદની ખાતરી આપી છે.
ભારતે વિરોધ વ્યક્ત કર્યો
શ્રીલંકાના નૌકાદળના ગોળીબારના જવાબમાં, વિદેશ મંત્રીએ નવી દિલ્હીમાં શ્રીલંકાના કાર્યકારી ઉચ્ચાયુક્તને બોલાવ્યા અને આ ઘટનાને લઇને ભારે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોલંબોમાં ભારતીય ઉચ્ચાયોગે પણ શ્રીલંકા સરકારના વિદેશ મંત્રાલય સમક્ષ આ મામલો ઉઠાવ્યો છે.
'બળનો ઉપયોગ સ્વીકાર્ય નથી'
વિદેશ મંત્રાલયના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, “ભારત સરકારે હંમેશા માછીમારોને લગતા મુદ્દાઓને માનવતાવાદી રીતે ઉકેલવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, જેમાં આજીવિકાની ચિંતાઓને ધ્યાનમાં લેવામાં આવી છે. કોઈપણ સંજોગોમાં બળનો ઉપયોગ સ્વીકાર્ય નથી. આ સંદર્ભમાં બંને સરકારો વચ્ચે હાલની સમજૂતીનું કડક પાલન કરવું જોઈએ.










