• લાલુ રેલવે પ્રધાન હતા ત્યારે નિયમો તોડીને કેટલાકને નોકરી આપી

  • બદલામાં સસ્તા દરે જમીન લખાવી લીધી
  • આ કેસમાં 29 માર્ચના રોજ સુનાવણી પણ હાથ ધરાશે

બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાજદના અધ્યક્ષ લાલુપ્રસાદ યાદવ, તેમના પત્ની અને પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી અને સાંસદ પુત્રી મીસા ભારતીને લેન્ડ ફોર જોબ કેસમાં દિલ્હીની રાઉજ એવન્યૂ કોર્ટે ભલે જામીન આપી દીધા હોય પરંતુ તેમની મુસીબતનો અંત નથી આવ્યો. આ કેસમાં 29 માર્ચના રોજ સુનાવણી પણ હાથ ધરાશે. લાલુપ્રસાદ યાદવ પર આરોપ છે કે, તેઓ વર્ષ 2004થી 2009 દરમિયાન કેન્દ્ર સરકારમાં રેલવે પ્રધાન હતા ત્યારે કેટલાક લોકોને નિયમો તોડીને રેલવેમાં નોકરી અપાવી દીધી હતી અને બદલામાં પોતાના પરિવારને નામે ખૂબ સસ્તા દરે જમીન ખરીદી લીધી હતી. સીબીઆઇએ આ કેસમાં લાલુ પરિવાર વિરુદ્ધ અપરાધિક ષડ્યંત્ર, છેતરપિંડી ષડ્યંત્ર અને ભ્રષ્ટાચારના આરોપમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ચાર્જશીટમાં તે સાત જમીન સોદાનો ઉલ્લેખ છે. સાત જમીન પૈકી પાંચ જમીન ખરીદી છે તો બે જમીન ભેટ રૂપે દર્શાવવામાં આવી છે. આ જમીનના સોદા કોની સાથે ક્યારે થયા તે હકીકત પર એક નજર નાખીએ.

જમીન સોદો નંબર - 1

નવેમ્બર 2007માં પટણાની રહીશ કિરણદેવીએ લાલુની પુત્રી મીસા ભારતીને માત્ર રૂપિયા 3.70 લાખ રૂપિયામાં 80,905 ચોરસ ફૂટ જમીન વેચી દીધી હતી. હકીકતે તે જમીનની બજાર કિંમત ખૂબ ઊંચી હતી. કિરણ દેવીના પુત્ર અભિષેકની તે પછી મુંબઇમાં રેલવે સબસ્ટિટયૂટ તરીકે ભરતી થઈ હતી.

સોદો નંબર - 2

6 ફેબ્રુઆરી 2008ના રોજ પટણાના રહીશ કિશુનદેવ રાયે રાબડીદેવીને નામ કુલ 3,375 ચોરસ ફૂટ જમીન માત્ર રૂપિયા 3.75 લાખ રૂપિયામાં વેચી હતી. તે વર્ષે જ રાયના પરિવારના ત્રણ લોકો રાજકુમારસિંહ, મિથિલેશકુમાર તેમ જ અજય કુમારની મુંબઇમાં ગ્રૂપ ડીમાં ભરતી થઈ હતી.

સોદો નંબર - 3

3 માર્ચ 2008ના રોજ બ્રજનંદન રાય નામની એક વ્યક્તિએ ગોપાલગંજમાં રહેનારા હૃદયનાથ ચૌધરીને રૂપિયા 62 લાખ બજાર કિંમત ધરાવતી 3,375 ચોરસ ફૂટ જમીન માત્ર રૂપિયા 4.21 લાખમાં વેચી હતી. સીબીઆઍઇના જણાવ્યા મુજબ તે પછી હૃદયાનંદે તે જમીન લાલુની પુત્રી હેમાને નામે કરી દીધી હતી. હૃદયાનંદ લાલુ પરિવારના સગા નથી. વર્ષ 2005માં ચૌધરીની હાજીપુરામાં રેલવેમાં ભરતી કરવામાં આવી હતી.

સોદો નંબર - 4

 ફેબ્ર્રુઆરી 2007માં જ પટણા નિવાસી હજારી રાયે એકે ઇન્ફોસિસ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને 9,527 ચોરસ ફૂટ જમીન વેચી હતી. તે પછી વર્ષ 2014માં તે કંપનીની તમામ સંપત્તિ રાબડીદેવી અને મીસા ભારતી પાસે જતી રહી. રાબડી તે કંપનીના ડિરેક્ટર બની ગયા. તપાસમાં હકીકત બહાર આવી છે કે હજારી રાયના બે ભત્રીજા દિલચંદ અને પ્રેમચંદને રેલવેમાં નોકરી મળી હતી.

સોદો નંબર - 5

પટણાના મહુઆબાગના વતની સંજય રાયે પણ ફેબ્રુઆરી 2008માં 3,375 ચોરસ ફૂટ જમીન રાબડીને વેચી હતી. તે સોદો માત્ર રૂપિયા 3.75 લાખમાં થયો હતો. તપાસમાં હકીકત સામે આવી હતી કે સંજય રાય અને તેના પરિવારના અન્ય બે લોકોને પણ રેલવેમાં નોકરી મળી હતી.

સોદો નંબર - 6

માર્ચ 2008માં જ વિષ્ણુદેવ રાયે સિવાનમાં રહેનારા લલન ચૌધરીને 3,375 ચોરસ ફૂટ જમીન વેચી હતી. તે વર્ષે જ ચૌધરીના પૌત્ર પિન્ટુને પિૃમ રેલવેમાં નોકરી મળી ગઈ હતી. તે પછી લાલ ચૌધરીએ વર્ષ 2014માં તે જ જમીન લાલુ યાદવની પુત્રી હેમા યાદવને ભેટ આપી દીધી હતી.

સોદો નંબર - 7

 પટણા નિવાસી લાલબાબુ રાયે મે 2015માં 1,360 ચોરસ ફૂટ જમીન રાબડી દેવીને માત્ર રૂપિયા 13 લાખમાં વેચી હતી. સીબીઆઇ તપાસમાં હકીકત સામે આવી હતી કે વર્ષ 2006માં લાલબાબુ રાયના પુત્ર લાલચંદની રેલવેમાં ભરતી થઈ હતી.


  • Follow us on: