- 9 ધારાસભ્યો અજીત પવાર સાથે શિંદે સરકારમાં થયા સામેલ
- અજીત પવાર સહીત ધારાસભ્યો વિરુદ્ધ યોગ્યતા અરજી દાખલ
- શરદ પવાર સાથેની બેઠકમાં નેતાઓ લાવશે એફિડેવિટ
મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ઉલટફેર આવી ગયો છે. NCP નેતા અજીત પવાર શિંદે સરકારમાં જઈને સામેલ થઈ ગયા છે. એટલું જ નહિ તેમણે ઉપમુખ્યમંત્રી તરીકે શપથ પણ લઈ લીધા છે. તેમની સાથે તેમના 9 ધારાસભ્યો પણ શિંદે સરકારમાં સામેલ થઈ ગયા છે. તેમની સાથે પક્ષના 18 ધારાસભ્યો છે. ભાજપ-શિવસેના ગઠબંધનને સમર્થન આપીને સરકારમાં સામેલ થવાનો અજીત પવારનો નિર્ણય 2024 પહેલા વિપક્ષી એકતા માટે મોટા ઝટકા સમાન છે. દરમિયાન NCPએ અજીત પવાર અને અન્ય 9 ધારાસભ્યો વિરુદ્ધ વિધાનસભા અધ્યક્ષ સમક્ષ અયોગ્યતા અરજી દાખલ કરી છે.
પ્રફુલ પટેલ અને સુનીલ તટકરે NCP માંથી બહાર
અજીત પવારના બળવા પછી મહારાષ્ટ્રમાં રાજકારણ ગરમાઈ ગયું છે. હવે NCPએ પાર્ટી વિરોધી ગતિવિધિઓના આરોપની સાથે પ્રફુલ પટેલ અને સુનીલ તટકરેને પાર્ટી માંથી હાંકી કાઢવામાં આવ્યા છે.
અજીત પવાર સહિત 9 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવા પ્રસ્તાવ
NCPની અનુશાસન સમિતિએ અજીત પવાર સહિત 9 ધારાસભ્યોને અયોગ્ય જાહેર કરવા માટે પ્રસ્તાવ પસાર કર્યો છે. આ તમામ ધારાસભ્યોને પાર્ટી વિરોધી ગતિવિધિઓના આરોપની સાથે અયોગ્ય જાહેર કરી દેવામાં આવ્યા છે.
3 બળવાખોર નેતાઓ NCP માંથી નિષ્કાસિત
NCPએ અકોલા જિલ્લા અધ્યક્ષ વિજય દેશમુખ અને મુંબઈ વિભાગના કાર્યાધ્યક્ષ નરેન્દ્ર રાણેને પણ શપથ વિધિ કાર્યક્રમમાં હાજર રહેવાને લઈને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે.
NCP કાર્યાલયમાંથી હટાવાયા પ્રફુલ પટેલના પોસ્ટર્સ
અજીત પવારના મહારાષ્ટ્રની શિંદે સરકારમાં સામેલ થયા બાદ NCP કાર્યકર્તાઓમાં ખાસ્સો આક્રોશ જોવા મળી રહ્યો છે હવે તેઓ પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. ગઈકાલે આયોજિત શપથ ગ્રહણ સમારંભમાં અજીત પવારની સાથે પ્રફુલ પટેલ પણ જોવા મળ્યા હતા. ત્યારબાદ આજે દિલ્હી ખાતેના NCP કાર્યાલય ખાતેથી પ્રફુલ પટેલના પોસ્ટર્સ હટાવી દેવામાં આવ્યા હતા.
શરદ પવાર સાથેની બેઠકમાં નેતાઓ લાવશે એફિડેવિટ
પક્ષમાં થયેલ બળવાખોરી બાદ NCP પ્રમુખ શરદ પવારે 5 જુલાઈના રોજ નેતાઓ અને પાર્ટીના પદાધિકારીઓની એક મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકની ખાસ વાત એ છે કે બેઠકમાં સામેલ થનાર નેતાઓ અને પદાધિકારીઓએ પોતાની સાથે એફિડેવિટ લઈને આવવાનું રહેશે. સાથે જ શરદ પવાર જૂથ પ્રત્યે પોતાની વફાદારી દર્શાવવાની રહેશે. આ એફિડેવિટમાં કહેવામાં આવ્યું છે કે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો સભ્ય છું અને જિલ્લામાં NCPનું પદ સંભાળી રહ્યો છું અને ત્યારથી ઉપરોક્ત પદ પર નિયુક્ત છું. મારી NCPના સંવિધાન પ્રત્યે આસ્થા અને નિષ્ઠા ધરાવું છું. મારી શરદ પવારના આદર્શો અને સિદ્ધાંતો પ્રત્યે નિઃસ્વાર્થ નિષ્ઠા છે. હું વગર કોઈ શરતે શરદ પવારના નેતૃત્વનું સમર્થન કરું છું.