- નોટ બેન્કમાં જમા કરાવવા કે બદલવાની છેલ્લી તારીખ 30 સપ્ટેમ્બર
- 3.32 લાખ કરોડની નોટ પાછી ફરી
- હજી રૂપિયા 24,000 કરોડ જેટલું મૂલ્ય ધરાવતી રૂપિયા 2000ની નોટ ચલણમાં
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે રૂપિયા 2000ની ચલણી નોટને ચલણમાંથી પાછી ખેંચવા નિર્ણય લેવામાં આવ્યો તે પછી 93 ટકા નોટ પાછી ફરી ચૂકી છે. પાછી ફરેલી નોટનું મુલ્ય રૂપિયા 3.32 લાખ કરોડ છે. મે મહિનામાં રૂપિયા 2000ની ચલણી નોટ ચલણમાંથી પાછી ખેંચતા રિઝર્વ બેન્કે જણાવ્યું હતું કે 30 સપ્ટેમ્બર સુધી તે નોટને બેન્કમાં જમા કરાવી શકાશે કે બદલી શકાશે. બેન્કે જણાવ્યું છે કે 31 ઓગસ્ટની સ્થિતિએ હજી રૂપિયા 24,000 કરોડ જેટલું મૂલ્ય ધરાવતી રૂપિયા 2000ની નોટ ચલણમાં છે. મુખ્ય બેન્ક્સ તરફથી પ્રાપ્ત ડેટા મુજબ 87 ટકા જેટલી નોટ ડિપોઝિટ અર્થાત બેન્કમાં જમા થઇ હતી. જ્યારે 13 ટકા જેટલી નોટ બલવામાં આવી હતી. મોદી સરકારે વર્ષ 2016માં ઊંચી રકમની બેન્ક નોટ્સ ચલણમાંથી નાબૂદ કરવા નોટબંધીનો નિર્ણય કર્યો, તે સમય જૂની નોટના સ્થાને રૂપિયા 2000ની ચલણી નોટ ચલણમાં મૂકવામાં આવી હતી. રિઝર્વ બેન્ક તે પછી વારંવાર કરી ચૂકી હતી કે ચલણમાંથી તે ઊંચા મૂલ્યની ચલણી નોટને ઘટાડવા માંગે છે. વીતેલા ચાર વર્ષથી બેન્કે રૂપિયા 2000ની નોટ છાપવાનું બંધ કરી દીધું હતું.










