• ભોપાલમાં કરી હતી વડાપ્રધાન મોદી સાથે મુલાકાત
  • માત્ર 13 વર્ષની ઉંમરે પાસ કર્યું હતું ફર્સ્ટ ડિવિઝન સાથે ધો.10
  • કોરોનાવાયરસને કારણે પિતા અને દાદાને ગુમાવ્યા હતા

મધ્ય પ્રદેશના ઈન્દોર ખાતે રહેતી તનિષ્કા સુજિત બેચલર ઓફ આર્ટસની છેલ્લા વર્ષની પરીક્ષા આપવા જઈ રહી છે. જોકે, સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે તનિષ્કા સુજિત માત્ર 15 વર્ષની કિશોરી છે અને તે કાયદાનો અભ્યાસ કરવા માંગે છે અને આગળ ચાલીને દેશના ચીફ જસ્ટિસ બનવા માંગે છે. 15 વર્ષીય કિશોરી તનિષ્કાએ વર્ષ 2020ના કોરોના કાળ દરમિયાન પોતાના પિતા અને દાદાને ગુમાવ્યા હતા. થોડા દિવસ પહેલા તેણે ભોપાલ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત અને કેવી રીતે પીએમ મોદીએ તેને પ્રોત્સાહન આપ્યું હતું તે યાદ કર્યું હતું.


તનિષ્કા ઈન્દોરની દેવી અહિલ્યા યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. એક મીડિયા એજન્સી સાથે વાત કરતાં તેણે જણાવ્યું હતું કે તે આગામી 19થી 28 એપ્રિલ દરમિયાન યોજાનાર આર્ટસની છેલ્લા વર્ષની BA (મનોવિજ્ઞાન) વિષય સાથે પરીક્ષા આપવા જઈ રહી છે. ફર્સ્ટ ડિવિઝન સાથે ધોરણ 10 પાસ કર્યા બાદ તેણે માત્ર 13 વર્ષની ઉંમરે સીધા જ ધોરણ 12 પાસ કરી દીધું હતું.

દેવી અહિલ્યા યુનિવર્સિટીના સોશિયલ સાયન્સ સ્ટડીઝ ડીપાર્ટમેન્ટના HOD રેખા આચાર્ય જણાવે છે કે તનિષ્કા સુજીતે સ્પેશિયલ કેસ તરીકે યુનિવર્સિટી દ્વારા લેવામાં આવેલ પ્રવેશ પરીક્ષામાં કરેલ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. જેને કારણે તેને માત્ર 13 વર્ષની ઉંમરે BA (મનોવિજ્ઞાન) વિષયમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.


તાજેતરમાં, 1 એપ્રિલના રોજ કમબાઈન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભોપાલ પ્રવાસ દરમિયાન તનિષ્કાએ તેમની સાથે મુલાકાત કરી હતી. તનિષ્કાએ જણાવ્યું હતું કે પીએમ મોદીએ તેની સાથે 15 મિનિટ મુલાકાત કરી હતી. મુલાકાત દરમિયાન તેણે પીએમ મોદીને જણાવ્યું હતું કે તે BAનો અભ્યાસ કરીને US જઈને કાયદાનો અભ્યાસ કરવા માંગે છે અને તેનું સપનું એક દિવસ દેશના ચીફ જસ્ટિસ બનવાનું છે.

તનિષ્કાએ જણાવ્યું હતું કે, “મારા સ્વપ્ન વિષે જાણીને વડાપ્રધાને મને સુપ્રીમ કોર્ટ જઈને વકીલોની દલીલો સાંભળવાની સલાહ આપી હતી જેથી મને મારા સ્વપ્નને સાકાર કરવામાં પ્રોત્સાહન મળશે.” તેણે વધુમાં જણાવ્યું હતું કે પીએમ મોદી સાથે મુલાકાત કોઈ સ્વપ્ન પૂર્ણ થવા સમાન હતું.


તનિષ્કાના માતા અનુભા જણાવે છે કે તેમના પતિ અને સસરાનુ વર્ષ 2020માં કોરોના વાયરસને કારણે નિધન થયું હતું, પરંતુ તે દીકરી ખાતર સંજોગો સામે લડ્યા અને દુઃખમાંથી બહાર આવ્યા, જેથી તે પોતાનો અભ્યાસ પુનઃ શરૂ કરી શકે. પરિવારના 2 સભ્યોને ગુમાવ્યા પછી હું સાવ શૂન્ય થઈ ગઈ હતી. બે-ત્રણ મહિના પછી મને લાગ્યું કે મારી દીકરીના ભવિષ્ય માટે મારે તેના અભ્યાસનું ધ્યાન રાખવું જોઈએ અને આ માટે લડવું પડશે.


  • Follow us on: