- ગેરકાયદે હથિયારથી ગોળી છોડી હતી, પાંચ આરોપીની ધરપકડ કરાઈ
- રાત્રે મેગી ખાવા નીકળેલા આર્યન મિશ્રાની કારનો 30 કિમી સુધી પીછો કરવામાં આવ્યો હતો
- ફરીદાબાદ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ સેક્ટર 30ની ટીમ આ હત્યાની તપાસ કરી રહી છે
રાજધાની દિલ્હીને અડીને આવેલા ફરીદાબાદમાં એક ચોંકાવનારો બનાવ બન્યો છે. અહીં 12મા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીની કથિત ગૌરક્ષકોએ ગોળી મારીને હત્યા કરી નાખી છે. ઓળખીતાઓ સાથે રાત્રે મેગી ખાવા નીકળેલા આર્યન મિશ્રાનો 30 કિમી સુધી પીછો કરવામાં આવ્યો હતો, ત્યાર બાદ તેની હત્યા કરી દેવાઈ. પોલીસે હત્યાના આરોપમાં પાંચ લોકોની ધરપકડ કરી છે.
આરોપીઓનું કહેવું છે કે તેમને એવી જ કારમાં પશુ તસ્કરો આવવાની માહિતી મળી હતી. ધરપકડ કરાયેલા પાંચ આરોપીને જેલ હવાલે કરાયા છે. ફરીદાબાદ પોલીસની ક્રાઇમ બ્રાન્ચ સેક્ટર 30ની ટીમ આ હત્યાની તપાસ કરી રહી છે.23મી ઓગસ્ટની રાત્રે આર્યન મિશ્રા પોતાના મકાનમાલિક અને તેના ઓળખીતાઓ સાથે કારમાં બેસીને મેગી ખાવા માટે બડખલ ખાતેના એક મોલમાં ગયો હતો. મોડી રાત્રે ત્યાંથી પાછા ફરતા સમયે પટેલ ચોક પાસે આરોપીઓએ તેમને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેથી કાર ચલાવી રહેલા આર્યનના ઓળખીતાએ બીકના કારણે ગાડીની ઝડપ વધારી દીધી હતી. આરોપીઓએ લગભગ 30 કિમી સુધી પીછો કર્યો હતો. દિલ્હી-આગ્રા હાઈવેના ગદપુરી ટોલથી થોડે આગળ ગૌરક્ષ ગણાવતા આરોપીએ પશુ તસ્કર સમજીને આર્યનને ગોળી મારી દીધી હતી.










