બિહારના સારણના ગડખા પોલીસ સ્ટેશન હેઠળ આવતા વિસ્તારમાં એક નકલી ડોક્ટરે યુટયૂબમાં જોઈને પથરીનું ઓપરેશન કર્યું હતું.
ઓપરેશન દરમિયાન કિશોરની સ્થિતિ નાજુક થઈ જતાં તેને એમ્બ્યુલન્સમાં પટના લઈ જવાતો હતો પણ રસ્તામાં જ તેનું મૃત્યુ થઈ ગયું. ઘટના બાદ નકલી ડોક્ટર અને અન્ય સ્ટાફ ભાગી ગયા છે. તેમની શોધખોળ ચાલી રહી છે. આ બનાવ મોતીરાજપુર ખાતેના ગણપતિ સેવા સદનમાં બન્યો હતો. અહીં મઢોરા પોલીસ સ્ટેશન હેઠળના ભુવાલપુર ગામના ચંદન સાહના 15 વર્ષીય પુત્ર કૃષ્ણાકુમાર ઉર્ફે ગોલુને પથરીની બીમારી હતી. ચંદન સાહાએ જણાવ્યું કે તેઓ ઓપરેશન દરમિયાન હાજર હતા. ગણપતિ સેવા સદનના ડોક્ટર અજિતકુમાર પુરીએ ઓપરેશન કર્યું હતું. તેઓ ઓપરેશન દરમિયાન વારે વારે મોબાઇલમાં યુટયૂબ ખોલીને જોઈ રહ્યા હતા. ઓપરેશન બાદ જ્યારે દર્દ વધવાની ફરિયાદ કરવામાં આવી ત્યારે પોતે જ એમ્બ્યુલન્સ દ્વારા પટના જવા નીકળી ગયા. પરંતુ રસ્તામાં મૃત્યુ થઈ જતાં તે બધા ભાગી ગયા. ત્યાર બાદ મૃતકના પિતા અને પરિવારજનો મૃતદેહ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને હોબાળો કર્યો હતો.










