• પગ લપસી પડતાં ત્રણ વર્ષનો શિવમ બોરવેલમાં પડી ગયો હતો

  • પાંચ કલાકની જહેમતના અંતે રેસ્ક્યૂ ટીમને સફળતા સાંપડી
  • બાળક પગ લપસી પડતાં 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયું હતું

બિહારના નાલંદા નજીકના કુલુ ગામે 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયેલા ત્રણ વર્ષના શિવમને બોરવેલમાંથી જીવતો બહાર કાઢવામાં આવ્યો હતો. પાંચ કલાકની જહેમતન અંતે રેસક્યૂ ટીમને શિવમને સુરક્ષિત બહાર કાઢવામાં સફળતા મળી હતી. ગામલોકોએ કહ્યું હતું કે બાળક માતાની પાછળ ખેતર પહોંચી ગયું હતું. બાળક પગ લપસી પડતાં 40 ફૂટ ઊંડા બોરવેલમાં પડી ગયું હતું. બોરવેલમાંથી ચીસોના અવાજ સંભળાતા હતા. ગામમાં સિંચાઇ માટે બોરવેલ તૈયાર થઇ રહ્યો હતો. બાળકની માતાએ કહ્યું કે તે ખેતરમાં કામ કરી રહી હતી. બાળક રમી રહ્યું હતું.અચાનક પગ લપસી પડતાં બોરવેલમાં બાળક પડી ગયું હતું. બાળક સુરક્ષિત બહાર આવતાં માતાપિતાએ રાહતનો શ્વાસ લીધો હતો.

સમાચાર આગની જેમ પુરા વિસ્તારમાં ફેલાઇ જતાં લોકો સ્થળ પર પહોંચવા લાગ્યા. જાણકારી મળતાં પોલીસ ટીમ પણ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. તરત જેસીબી મંગાવીને બચાવ કામગીરીનો આરંભ થયો હતો. સ્થિતિને જોતાં સ્થળ પર એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમને પણ બોલાવવામાં આવી હતી. બચાવ ટુકડી બોરવેલમાં પ્રાણવાયુ પહોંચાડવાનું શરૂ કર્યું હતું. કેમેરાથી બાળક પર નજર પણ રખાઇ રહી હતી. શિવમ બોરવેલમાંથી બહાર આવ્યા બાદ મેડિકલ ટીમે તેની તપાસ કરી હતી. બિહાર નાલંદાના એનડીઆરએફ અધિકારી રંજીતકુમારે જણાવ્યું હતું કે બાળકને બચાવી લેવામાં આવ્યું છે. તેને હોસ્પિટલ મોકલવામાં આવ્યું છે. પાંચ કલાકની જહેમતને અંતે રેસક્યૂ ટીમને સફળતા મળી હતી. નાલંદાના સાંસદ કૌશલેન્દ્ર કુમારે પણ સ્થળની મુલાકાત લીધી હતી. બચાવ કામગીરીનું નિરીક્ષણ કરીને તેમણે પીડિત પરિવારને મદદનું આશ્વાસન આપ્યું હતું.


  • Follow us on: