• AC ટેસ્ટિંગ દરમિયાન બ્લાસ્ટ થયો
  • બ્લાસ્ટના કારણે અન્ય ACમાં પણ આગ લાગી
  • 10 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા

ઉત્તરપ્રદેશના પ્રયાગરાજમાં એક ગંભીર ઘટનાસામે આવી છે. અહીં એસી ટેસ્ટીંગ દરમિયાન અચાનક બ્લાસ્ટ થયા બાદ મૉલમાં પણ આગ લાગી છે. શહેરના જ્યોર્જટાઉન પોલીસ સ્ટેશન હેઠળના ટાગોર ટાઉનમાં બાલસન સ્ક્વેર પાસે ફેશન રિટેલ ચેઇન ફેશન ફેક્ટરીના શોરૂમમાં રવિવારે સાંજે આગ લાગી હતી. જોકે સમયસર આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો હતો અને કોઈ જાનહાની થઈ ન હતી.

10 લોકોને સુરક્ષિત બહાર કઢાયા

ફાયર ઓફિસર કુમાર પાંડેએ જણાવ્યું હતું કે, "આગની જાણ થતાં જ અમે અહીં પહોંચી ગયા હતા, આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે. 10 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. જ્યારે ACનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું ત્યારે બ્લાસ્ટ થયો હતો અને આ બ્લાસ્ટના કારણે બાકીના ACમાં પણ આગ લાગી ગઈ."

આગ ઓલવવા માટે છ ફાયર ટેન્કર પહોંચી

ડિસ્ટ્રિક્ટ ચીફ ફાયર ઓફિસર રાજીવ પાંડેએ જણાવ્યું હતું કે, ફેશન ફેક્ટરી એસ્ટાબ્લિશમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર બનેલા ટ્રાયલ રૂમમાં રવિવારે સાંજે ફાયર વિભાગને આગ લાગવાની માહિતી મળી હતી, જેના આધારે છ ફાયર ટેન્કર આગ ઓલવવા માટે ઘટના સ્થળો પહોંચી જઈ કામગીરી શરૂ કરી દીધી હતી.

ત્રણ કલાકમાં આગ પર કાબુ મેળવાયો

પાંડેએ વધુમાં જણાવ્યું કે, ફાયર બ્રિગેડની ગાડીઓ ઉપરાંત, ફાયર ટેન્કર હાઇડ્રોલિક પ્લેટફોર્મ એરિયલ એક્સ્ટેંશન સીડી પણ મંગાવવામાં આવી હતી, જેની મદદથી કેટલાક લોકોને પહેલા માળેથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. પાંડેએ જણાવ્યું હતું કે ત્રણ કલાકમાં આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને સવારે આગના કારણની તપાસ કરવામાં આવશે. તેમણે કહ્યું કે આ ફેક્ટરી ચાલુ ન હોવાના કારણે ત્યાં કોઈ ગ્રાહકો નહોતા અને માત્ર કર્મચારીઓ જ હાજર હતા.

  • Follow us on: