- નીતિશ CM પદ માટે ફરીથી શપથ લઈ શકે છે
- રાજ્યપાલને રાજીનામું સોંપે તેવી શક્યતા
- શપથવિધિ કાર્યક્રમ સાંજે યોજાય તેવી શક્યતા
બિહારના રાજકારણમાં આજે નવા - જૂનીના એંધાણ જોવા મળી શકે છે. નીતિશ કુમાર BJP સાથે ગઠબંધનની સંભાવના છે. આ સાથે જ બિહારમાં નવી સરકાર બને તેવી શક્યતા પણ જોવા મળી રહી છે. નીતિશ કુમાર રાજ્યપાલ સાથે આજે જ મુલાકાત કરી શકે છે. અને આ સમયે રાજ્યપાલને રાજીનામું સોંપે તેવી ચર્ચાઓ જોવા મળી રહી છે. આ સાથે તેઓ આજે જ રાજીનામા બાદ સાંજ સુધીમાં શપથ લે તેવા એંધાણ જોવા મળી રહ્યા છે.
નીતિશ CM પદ માટે ફરીથી શપથ લઈ શકે છે
નીતિશ કુમાર CM અને ભાજપના DyCM બને તેવી શક્યતા સૂત્રો દ્વારા મળી રહી છે. આ સાથે જ પટનામાં આજે ફરીથી ભાજપના નેતાઓની બેઠક પણ થશે. JDUના ધારાસભ્યની પણ બેઠક યોજાશે. આ પછી શપથવિધિ કાર્યક્રમ યોજાય તેવી ચર્ચા છે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા પટના પહોંચે તેવી માહિતિ સામે આવી છે. તો અન્ય તરફ નીતિશને પછાડવા RJDના હવાતિયા ચાલી રહ્યા છે અને સાથે જ લાલુ પ્રસાદ યાદવ નમતુ જોખવા તૈયાર નથી.
શું હશે આજનો કાર્યક્રમ
જણાવી દઈએ કે, 28 જાન્યુઆરી, રવિવારે સવારે 10 વાગ્યે JDU ધારાસભ્ય દળની બેઠક છે. ત્યારબાદ, NDA ધારાસભ્ય દળની બેઠક સીએમ હાઉસ ખાતે યોજાશે. બેઠક બાદ નીતિશ બપોરે 12 વાગ્યે રાજ્યપાલને મળશે અને રાજીનામું સોંપશે. NDAના ધારાસભ્યોને સમર્થનનો પત્ર પણ આપશે. ત્યારબાદ 4 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ યોજાશે.
બિહારમાં આજે 'સુપર સન્ડે'
બિહારના રાજકારણ માટે રવિવાર 'સુપર સન્ડે' સાબિત થઈ શકે છે. ભાજપે રવિવારે સવારે 9 વાગે ધારાસભ્ય દળની બેઠક બોલાવી છે. તો, રવિવારે સવારે 10 વાગે JDUના ધારાસભ્ય દળની બેઠક પણ યોજાશે. સૂત્રોના જણાવ્યા અનુસાર બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર રવિવારે જ સાંજે 4 વાગ્યે 9મી વખત મુખ્યમંત્રી પદના શપથ લઈ શકે છે. જેપી નડ્ડા નીતિશના નવમા શપથ ગ્રહણમાં હાજરી આપી શકે છે. બીજી બાજુ, બિહાર સચિવાલયની રજા રદ કરવામાં આવી છે એટલે કે રવિવારે સચિવાલય ખુલ્લું રહેશે.
કેવી રહી નીતિશની રાજકીય સફર
નીતિશ કુમાર પ્રથમ વખત - 3 માર્ચ 2000, બીજી વખત - 24 નવેમ્બર 2005, ત્રીજી વખત - 26 નવેમ્બર 2010, ચોથી વખત - 22 ફેબ્રુઆરી 2015, પાંચમી વખત - 20 નવેમ્બર 2015, છઠ્ઠી વખત - 27 જુલાઈ 2017, સાતમી વખત - 16 નવેમ્બર 2020, આઠમી વખત 9 ઓગસ્ટ 2022ના રોજ સીએમ તરીકે શપથ લીધા હતા.
શનિવાર પણ બિહારમાં રાજકીય ઉથલપાથલ સાથે પસાર થયો. શનિવારે આરજેડી અને ભાજપની મોટી બેઠક યોજાઈ હતી. લાલુના નિવાસસ્થાને મળેલી બેઠકમાં તેજસ્વીએ કહ્યું કે બિહારમાં હજુ આ ખેલ થવાનો બાકી છે. તો, ભાજપની બેઠક બાદ પ્રદેશ અધ્યક્ષ સમ્રાટ ચૌધરીએ પોતાના તમામ ધારાસભ્યોને સોમવાર સાંજ સુધી બિહારમાં રહેવા માટે જણાવ્યું છે.









