• વયસ્કો માટેના માસ્ક, અન્ય દવાઓનો ઉપયોગ કરી ઓક્સિજન આપ્યો .

  • સહાય કરનારા ડોક્ટરોમાં એક આઇએએસ અધિકારી અને પ્રશિક્ષિત ડોક્ટર હતા
  • જ્યારે બીજા રાંચીની હોસ્પિટલમાં ચિકિત્સક હતા

રાંચીથી દિલ્હી માટે ઊડી રહેલી ઇન્ડિગોની ફ્લાઇટમાં એક નવજાત શિશુને અચાનક શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી, ત્યારે બે સહપ્રવાસી ડોક્ટર મદદે આવ્યા હતા. તેમણે ઇમર્જન્સી મેડિકલ એડ તરીકે વયસ્કો માટે બનેલા માસ્ક અને અન્ય દવાઓનો ઉપયોગ કરીને ઓક્સિજન આપીને નવજાત શિશુની સારવાર કરી હતી. ફ્લાઇટ લેન્ડ થઈ ત્યારે મેડિકલ ટીમે શિશુને પોતાની દેખરેખમાં લઈને ઓક્સિજન સપોર્ટ આપ્યો હતો. સહાય કરનારા ડોક્ટરોમાં એક આઇએએસ અધિકારી અને પ્રશિક્ષિત ડોક્ટર હતા, જ્યારે બીજા રાંચીની હોસ્પિટલમાં ચિકિત્સક હતા. બાળકની હૃદય સંબંધી બીમારીના ઇલાજ માટે તેનાં માતાપિતા બાળકને એમ્સ, દિલ્હી લઈ જતાં હતાં. ફ્લાઇટમાં 20 મિનિટના ઉડ્ડયન બાદ ચાલકદળને ઇમર્જન્સી જાહેર કરી હતી અને બાળક માટે વિમાનમાં હાજર કોઈ ડોક્ટર પાસે સહાય માગી હતી. આઇએએસ અધિકારી ડો. નીતિન કુલકર્ણીએ કહ્યું કે માતા રડી રહી હતી, કેમ કે તેનું બાળક શ્વાસ લેવા હાંફી રહ્યું હતું. મેં અને ડો. મોજમ્મિલે બાળકને તપાસ્યું અને વયસ્કો માટેના માસ્કના માધ્યમથી ઓક્સિજન પૂરો પાડયો, કેમ કે ત્યાં એક પણ શિશુ માસ્ક કે કેનુલા ઉપલબ્ધ નહોતા.

ઓેક્સિજનની માત્રાનું આકલન અઘરું થઈ પડયું

ડો. કુલકર્ણીએ કહ્યું ઇન્જેક્શન અને ઓક્સિજન અપાયા બાદ બાળકમાં સુધારાનાં લક્ષણ દેખાવા લાગ્યાં હતાં. સ્ટેથોસ્કોપથી તેના હૃદયના ધબકાર પર ધ્યાન અપાઈ રહ્યું હતું. પણ ઓક્સિમીટર ન હોવાના કારણે ઓક્સિજનની માત્રાની સ્થિતિનું આકલન કરવું મુશ્કેલ થઈ ગયું હતું. પણ આખરે, બાળકની આંખો સામાન્ય થઈ અને અવાજ પણ નીકળ્યો. તેમણે જણાવ્યું કે કેબિન ક્રૂએ ખૂબ જ મદદ કરી હતી.


  • Follow us on: