• પીજીના રૂમમાં લટકતો મળ્યો વિદ્યાર્થીનો મૃતદેહ
  • ચાલુ વર્ષે વિદ્યાર્થીના આત્મહત્યાની 20મી ઘટના
  • ગુરુવારે યુપીના મનજોત સિંહના મોત અંગે તપાસ

દેશનું સૌથી મોટું કોચિંગ હબ છેલ્લા કેટલાય સમયથી જાણે કે સ્યુસાઇડ હબ બની ગઈ છે. હજુ ગુરુવારે જ ઉત્તર પ્રદેશના એક વિદ્યાર્થી મનજોત સિંહની આત્મહત્યાનો મામલો હજુ શાંત પણ થયો નથી ત્યાં વધુ એક વિદ્યાર્થીએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આજે શનિવારે વધુ એક વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે. બિહારના એક 16 વર્ષીય વિદ્યાર્થી ભાર્ગવ મિશ્રાએ ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ વર્ષે કોટામાં રહીને કોચિંગ લઈને અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓની આત્મહત્યાનો આ 20મો કિસ્સો છે.

મૃતકની ઓળખ બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લાના મોતિહારી રઘુનાથપુરમના રહેવાસી ભાર્ગવ મિશ્રા તરીકે થઈ છે. નાયબ પોલીસ અધિક્ષક હર્ષરાજ સિંહ ખરેડાના જણાવ્યા અનુસાર, ભાર્ગવ આ વર્ષે એપ્રિલમાં એન્જિનિયરિંગની પ્રવેશ પરીક્ષા JEE કોચિંગ માટે કોટા આવ્યો હતો. વિદ્યાર્થી કોટાના મહાવીર નગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં ભાડે રહેતો હતો.

ભાર્ગવના પિતાના જણાવ્યા અનુસાર, તેમનો પુત્ર શુક્રવારની બપોરથી જ તેના પરિવારના સભ્યોનો ફોન ઉપાડતો ન હતો, જેના કારણે તેને કંઈક અપ્રિય ઘટના બની હોવાની શંકા ગઈ હતી. જ્યારે, પીજી માલિક વિદ્યાર્થીના રૂમમાં ગયા ત્યારે રૂમનો દરવાજો બંધ હતો, દરવાજો ખટખટાવ્યો પરંતુ લાંબા સમય સુધી દરવાજો ન ખૂલ્યો તો માલિકે દરવાજો તોડીને જોયું તો વિદ્યાર્થી મૃત હાલતમાં જોવા મળ્યો હતો.

પોલીસનું કહેવું છે કે મૃતદેહ જોતા એવું લાગે છે કે વિદ્યાર્થીએ સવારે જ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે પરિવારજનોને જાણ કરી છે કે પરિવારના સભ્યો આવ્યા બાદ વિદ્યાર્થીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. હાલમાં વિદ્યાર્થીની આત્મહત્યા પાછળનું કારણ જાણી શકાયું નથી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

જણાવી દઈએ કે ગુરુવારે કોટામાં NEETની તૈયારી કરી રહેલા મનજોત સિંહની આત્મહત્યાનો મામલો સામે આવ્યો હતો. પરંતુ માતા-પિતાએ હત્યાની આશંકા વ્યક્ત કરી છે. તેમનો આરોપ છે કે તેમના પુત્રની હત્યા કરવામાં આવી છે. બાળકના મોં પર પોલીથીન હતું અને હાથ પાછળથી બાંધેલા હતા, તો તે આત્મહત્યા કેવી રીતે હોઈ શકે. આ કેસની તપાસ કરતી વખતે પોલીસે મૃતક વિદ્યાર્થીના સહાધ્યાયી, હોસ્ટેલના માલિક સહિત 6 લોકો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે.


  • Follow us on: