• આધારની જેમ દરેક બાળકનો એક યુનિક કોડ રહેશે

  • ટૂંક સમયમાં 'વન નેશન, વન સ્ટુડન્ટ આઇડી' લાવવા માટે તૈયારી શરૂ
  • સ્ટુડન્ટ્સનો યુનિક કોડ માટે વાલીઓની સંમતિની રાહ જોવાઇ રહી છે

કેન્દ્ર સરકાર દ્વારા હવે સ્કૂલ સ્ટુડન્ટ્સ માટે ટૂંક સમયમાં 'વન નેશન, વન સ્ટુડન્ટ આઇડી' લાવવા માટે તૈયારી ચાલી રહી છે. આધારની જેમ સ્ટુડન્ટ્સનો એક યુનિક કોડ હશે. તે માટે વાલીઓની સંમતિની રાહ જોવાઇ રહી છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે પ્રી-પ્રાઇમરીથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીના દરેક સ્ટુડન્ટ માટે 'વન નેશન, વન સ્ટુડન્ટ આઇડી' બનાવવા માટેની યોજના ઘડી છે. આને ઓટોમેટેડ પરમેનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી (APAAR) કહે છે. શિક્ષણ મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને સ્કૂલ સ્ટુડન્ટ્સ માટે APAAR આઇડી બનાવવાની પ્રક્રિયા શરૂ કરવા નિર્દેશ આપ્યો છે. AICTEના અધ્યક્ષ ટી. જી. સીતારામને કહ્યું કે APAAR અને નેશનલ ક્રેડિટ ફ્રેમવર્ક (NCRF) દેશભરના સ્ટુડન્ટ્સ માટે નવો ક્યુઆર કોડ હશે. શૈક્ષણિક સંસ્થાઓને ચર્ચા માટે 16થી 18 ઓક્ટોબર વચ્ચે વાલીઓ અને શિક્ષકોની બેઠક યોજવા કહ્યું છે. આ યોજના નવી શિક્ષણ નીતિનો જ એક ભાગ છે.

વાલીની સંમતિ જરૂરી રહેશે

APAAR આઇડી માટે વાલીની સંમતિ જરૂરી હશે. સરકારે આશ્વાસન આપ્યું છે કે ડેટા ગોપનીય રહેશે અને જરૂરી હશે તો માત્ર સરકારી એજન્સીઓ સાથે શૅર કરાશે. વાલીની સંમતિ બાદ તમામ ડેટાને UDISE+ પોર્ટલ પર અપલોડ કરવાની જવાબદારી સંબંધીત સ્કૂલોને સોંપવામાં આવી છે.


  • Follow us on: