• EDએ પૂરક ચાર્જશીટ દાખલ કરી, આરોપીઓને સમન્સ
  • દિલ્હી સરકારે વકીલોને 25.25 કરોડ ફી પેટે ચૂકવ્યાનો આરોપ
  • ગોવામાં ગયા વર્ષે વિધાનસભા ચૂંટણીમાં 'આપ' બે બેઠક જીતી હતી

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ દિલ્હીની આમ આદમી પાર્ટી પર ગંભીર આરોપ લગાવ્યો છે. EDએ ગુરુવારે કહ્યું હતું કે દિલ્હીના દારૂ કૌભાંડથી મળેલા પૈસાનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ ગોવામાં ચૂંટણી પ્રચાર દરમિયાન કર્યો હતો. કોર્ટમાં દાખલ કરેલા આરોપનામામાં EDએ કહ્યું હતું કે તપાસથી જાણવા મળ્યું છે કે ફંડના એક હિસ્સાનો ઉપયોગ આપ પાર્ટીએ ચૂંટણી પ્રચારમાં કર્યો હતો. ગોવામાં ગયા વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાઇ હતી, જ્યાં કેજરીવાલની પાર્ટી બે બેઠક જીતી હતી. દરમિયાન દિલ્હીના સીએમ અને આપ નેતા અરવિંદ કેજરીવાલે EDની ચાર્જશીટને કાલ્પનિક ગણાવી હતી અને કહ્યું હતું કે ઇડીનો ઉપયોગ માત્ર સરકાર ઉથલાવવા અને બનાવવા માટે કરવામાં આવી રહ્યો છે. દરમિયાન આબકારી નીતિ કૌભાંડમાં રાઉજ કોર્ટે તમામ આરોપીઓને સમન્સ ફટકાર્યા છે. કોર્ટે હવે આ મામલે 23 ફેબ્રુઆરીના રોજ સુનાવણી કરવાનું નક્કી કર્યુ છે. દિલ્હી સરકાર પર આબકારી કૌભાંડમાં વકીલો પાછળ પણ કરોડોનો ખર્ચ કરવાનો આરોપ લગાવાયો છે. આરોપ અનુસાર દિલ્હી સરકારે આ મામલે હજુ સુધીમાં વકીલોને ફી ચૂકવવા પાછળ લગભગ 25.25 કરોડ રૂપિયા ખર્ચ્યા છે.

AAPએ સાઉથ ગ્રૂપ પાસેથી 100 કરોડ લીધા

દિલ્હીની આબકારી નીતિમાં લાઇન્સ માટે આપ નેતાઓ વતી વિજય નાયરે સાઉથ ગ્રૂપ પાસેથી એડવાન્સ પેટે 100 કરોડ રૂપિયા લીધા હતા. ઇડીએ કહ્યું હતું કે સાઉથ ગ્રૂપમાં તેલંગાણાની સત્તાધારી બીઆરએસના મહિલા નેતા કવિતા, આંધ્રની સત્તાધારી વાયએસઆર કોંગ્રેસના સાંસદ મગુંતા રેડ્ડી અને અરબિંદો ફાર્માના શરથ રેડ્ડી સામેલ છે. કેજરીવાલે સમીર મહિન્દ્રૂને કહ્યું હતું કે, વિજય મારો માણસ છે, તમારે તેની પર વિશ્વાસ કરવો જોઇએ અને તે જે કહે તેમ કરવું જોઇએ.

  • Follow us on: