• હિમાચલના મંડીમાં પૂરને કારણે 200થી વધુ લોકો ફસાયા
  • નદી, નાળા, તળાવો, ડેમ ફાટવાથી પણ આવે છે Flash Flood
  • ઉત્તરાખંડ 2013, કેરલ 2018 આકસ્મિક પૂરના ભયાનક સ્વરૂપો

છેલ્લા દિવસોથી હિમાચલ પ્રદેશ સહિત ભારતના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. હિમાચલના પહાડોમાં વરસાદે તબાહી મચાવી છે. રાજ્યમાં અનેક મકાનો અને રસ્તાઓને નુકસાન થયું હતું. બે લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય એક વ્યક્તિ ગુમ છે. હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાના ઓટ નજીક રવિવારે આ વિસ્તારમાં અચાનક પૂરને કારણે 200 થી વધુ પ્રવાસીઓ ફસાયા હતા. આવા પૂરને કારણે દેશમાં અનેક સંજોગોમાં જાન-માલનું નુકસાન થયું છે. જૂન 2013માં ઉત્તરાખંડમાં વિનાશનું કારણ અચાનક પૂર પણ હતું.


આવો જાણીએ શું છે Flash Flood? કેમ આવે છે આ આકસ્મિક પૂર અને દેશના ઇતિહાસમાં ક્યારે ક્યારે આ પ્રકારના પૂર આવ્યા છે. વગેરે અંગે વિગતવાર સમજણ...

પહેલા જાણીએ હિમાચલ પ્રદેશમાં શું થયું?

ગત સપ્તાહે, હિમાચલમાં અચાનક પૂરે ભારે તબાહી મચાવી હતી. જેના કારણે ઘરોથી લઈને રસ્તાઓને નુકસાન થયું હતું. મંડી જિલ્લાના ઓટ નજીક ખોટી નાલામાં પૂરના અહેવાલોને પગલે મંડી-કુલુ નેશનલ હાઇવે બંધ કરી દેવામાં આવ્યો હતો. પરાશર તળાવ પાસેના બગીપુલ વિસ્તારમાં બીજા અચાનક આવેલ પૂરને કારણે મંડી-પારાશર રોડ પર બગી પુલ પાસે 200થી વધુ લોકો ફસાયા હતા. અધિસૂચનામાં કહેવામાં આવ્યું હતું કે, 'આ હાઈવે પર મુસાફરી કરતા સામાન્ય જનતા/પ્રવાસીઓને પહાડો નજીક આવેલા રસ્તાઓ પર ન રહેવાની સલાહ આપવામાં આવે છે કારણ કે ભૂસ્ખલન/પથ્થર પડવાનું જોખમ વધારે છે.'


હિમાચલના કાંગડા શહેરના કેટલાક ભાગોમાં પણ સતત ભારે વરસાદ બાદ પાણી ભરાઈ ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે આ વિસ્તારમાં અચાનક આવેલ પૂરને કારણે સોલન અને હમીરપુર જિલ્લામાં બે લોકોના ડૂબી ગયા હતા. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરે ઘરો અને રસ્તાઓ અને પ્રાણીઓના આશ્રયસ્થાનોને નુકસાનની જાણ કરી હતી. તેમના જણાવ્યા અનુસાર, અચાનક આવેલા પૂરમાં એક ડઝનથી વધુ વાહનો વહી ગયા હતા.

શું છે આકસ્મિક પૂર - Flash Flood?

વરસાદના કારણે એક ખાસ પ્રકારનું પૂર, જેના કારણે નદી કે નાળાનું જળસ્તર થોડાક જ સમયમાં ખાસ્સું વધી જાય છે. અમેરિકન હવામાન એજન્સી નેશનલ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર, જ્યારે વરસાદને કારણે પાણીનું સ્તર છ કલાકથી ઓછા સમયમાં ખતરનાક સ્તરે વધી જાય છે ત્યારે અચાનક પૂર એટલે કે Flash Flood આવે છે. તે ઘણીવાર ભારે અથવા અતિશય વરસાદને કારણે થાય છે. આ સ્થિતિ નદીઓ અથવા તળાવોની નજીકના વિસ્તારોમાં ઊભી થઈ શકે છે.

બ્રિટનની નેશનલ વેધર સર્વિસનુ કહેવું છે કે સામાન્ય રીતે જ્યાં નદીઓ સાંકડી અને વધુ ઊંચી હોય છે ત્યાં આકસ્મિક પૂર એટલે Flash Flood આવે છે, તે વધુ ઝડપથી વહે છે. આ પૂર નાની નદીઓની આસપાસના વિસ્તારોમાં આવી શકે છે, કારણ કે રસ્તાઓ અને કોંક્રિટ જેવી સખત સપાટી પાણીને જમીનમાં શોષવા દેતી નથી. એક તથ્ય એ પણ છે કે ક્યારેક વરસાદ ન હોય ત્યારે પણ અચાનક પૂર આવી શકે છે. ઉદાહરણ તરીકે, તટબંધ અથવા ડેમ તૂટયા પછી અથવા તો કાટમાળ અથવા બરફ જમવાને કારણે અચાનક પાણી છોડવાને કારણે.


ભારતમાં આકસ્મિક પૂર - Flash Flood આવવાનું કારણ શું છે?

ભારતમાં ભારે અથવા અતિભારે વરસાદને કારણે અચાનક પૂર આવે છે. આવું એટલા માટે પણ થાય છે કારણ કે કુલ વરસાદનો લગભગ 75 ટકા વરસાદ જૂનથી સપ્ટેમ્બરના ચાર મહિનામાં જ પડે છે. આ કારણોસર, આ મહિનાઓમાં નદીઓમાં ભારે પાણીનો પ્રવાહ રહે છે. આનું બીજું કારણ વાદળ ફાટવું અથવા તોફાન હોઈ શકે છે.

નિષ્ણાતોના મતે પ્રમાણે, ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક અને તમિલનાડુના દરિયાકાંઠાના વિસ્તારોમાં ડિપ્રેશન અને ચક્રવાતી તોફાન પણ અચાનક પૂરનું કારણ બને છે. આ ઉપરાંત, અરુણાચલ પ્રદેશ, આસામ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, મહારાષ્ટ્રના પશ્ચિમ ઘાટ અને કેરળ રાજ્યો વાદળ ફાટવાને કારણે અચાનક પૂર આવવાના સંદર્ભમાં વધુ સંવેદનશીલ છે.

દરમિયાન, હવામાન નિષ્ણાતોએ ચેતવણી પણ આપી હતી કે તાપમાનમાં વધારો થવાથી અચાનક પૂરમાં વધારો થશે. તેઓએ 2030 સુધીમાં હિમાલયના પ્રદેશમાં તાપમાનમાં 2.6 ડિગ્રી સેલ્સિયસ સુધીનો વધારો અને તીવ્રતામાં 2થી 12 ટકાના વધારાનું અનુમાન લગાવ્યું છે. જેને કારણે અચાનક આવતા પૂરની ઘટનાઓ વધશે, જેને કારણે મોટા પાયે ભૂસ્ખલન થશે.

દેશમાં આવેલ આવા આકસ્મિક પૂરનો શું છે ઈતિહાસ?

ભારતમાં અચાનક પૂરનો લાંબો ઇતિહાસ રહ્યો છે અને સંભવતઃ આવી સૌથી ભયાનક ઘટનાઓ 13 થી 17 જૂન દરમિયાન ઉત્તરાખંડમાં 2013માં બની હતી. અચાનક આવેલ પૂરને કારણે 5,000 થી વધુ લોકોના મોત થયા હતા. આપત્તિ મૂલ્યાંકન અનુસાર, પૂરને કારણે 3.8 બિલિયન ડોલરથી વધુનું આર્થિક નુકસાન પણ થયું હતું.

વર્ષ 2018 માં કેરળમાં આવેલ ભયાનક પૂર એ હવામાનની આવી જ ઘટનાનું બીજું ઉદાહરણ છે. અચાનક આવેલ આ પૂરમાં 480થી વધુ લોકોના મોત થયા હતા અને 15 જેટલા લોકો લાપતા થયા હતા. આ પુર દક્ષિણી રાજ્ય કેરળમાં છેલ્લી એક સદીમાં આવેલ સૌથી ભીષણ પૂરમાનું એક હતું.

2021 માં, ઉત્તરાખંડમાં ઋષિગંગામાં અચાનક પૂરથી 200 થી વધુ લોકો માર્યા ગયા, ઉપરાંત ચમોલી જિલ્લાના રેની અને તપોવન વિસ્તારોમાં ભારે વિનાશ સર્જાયો, જ્યાં બે હાઇડ્રોપાવર પ્રોજેક્ટ્સને પણ નુકસાન થયું. ગયા વર્ષે જુલાઈમાં હિમાચલના કિન્નૌરની સાંગલા ખીણમાં અચાનક પૂર આવ્યું હતું.


  • Follow us on: