• આગ્રાના જૂતાં વેપારીઓનું હવાલા કનેક્શન, રીઅલ એસ્ટેટમાં પણ રોકાણ

  • આગ્રા, કાનપુર, અને લખનઉના 84થી વધારે આવકવેરા અધિકારીઓ જોડાયા હતા
  • ચાર દિવસ ચાલેલી કાર્યવાહીમાં 57 કરોડ રૂપિયાની નોટોની થોકડીઓ મળી આવી હતી

આગ્રા શહેરમાં જૂતાંની ત્રણ બિઝનેસ ફર્મ બીકે શૂઝ, મંશુ ફૂટવેર, હરમિલાપ ટ્રેડર્સ પરના આવકવેરા વિભાગના દરોડા 80 કલાક પછી પૂરા થયા છે. ચાર દિવસ ચાલેલી કાર્યવાહીમાં 57 કરોડ રૂપિયાની નોટોની થોકડીઓ મળી આવી હતી. 500-500ની નોટોની 11,400 થોકડીઓ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની કરન્સી ચેસ્ટમાં જમા કરાવવામાં આવી છે. આવકવેરાની આ કાર્યવાહી દરમિયાન એક વેપારીનું હવાલા કનેક્શન જાણવા મળ્યું છે.

આવકવેરા વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગે શનિવારે જૂતાંના ત્રણ વેપારીઓનાં 14 સ્થળો પર દરોડા પાડયા હતા. જેમાં આગરા, કાનપુર, અને લખનઉના 84થી વધારે આવકવેરા અધિકારીઓ જોડાયા હતા. આવકવેરા વિભાગને હરમિલાપ ટ્રેડર્સના ઘરેથી સૌથી વધારે 53 કરોડ રૂપિયા મળ્યા હતા, જેને જપ્ત કરવામાં આવ્યા હતા. જ્યારે અન્ય બે વેપારીઓ પાસેથી ચાર કરોડ રૂપિયાની નોટોની થોકડીઓ મળી હતી. 80 કલાક ચાલેલી કાર્યવાહીમાં લગભગ 40 કરોડની ચુકવણી પહોંચો મળી હતી, જેમાં લગભગ ચાર હજાર વેપારી સંકળાયેલા છે. પ્રથમ ત્રણ દિવસમાં આવકવેરા વિભાગના અધિકારીઓને રોકડ રકમો મળી હતી, જ્યારે ચોથા દિવસની કાર્યવાહીમાં હવાલા કનેક્શન અને રિયલ એસ્ટેટમાં થયેલાં રોકાણોનાં કાગળોની તપાસ કરવામાં આવી હતી.

પાંચ દિવસ પછી આવકવેરા અધિકારીઓ પાછા ફર્યા

આવકવેરા વિભાગના સૌથી સફળ દરોડામાં લખનઉ અને કાનપુરના અધિકારીઓ સામેલ થયા હતા. તેઓ પાંચ દિવસ પહેલાં આગરા આવી ગયા હતા. આવકવેરા વિભાગે સાંજે છ વાગ્યા પછી બે વેપારી અને રાત્રે આઠ વાગ્યે ત્રીજા વેપારીના ત્યાંના દરોડા પૂરા કર્યા હતા. લખનઉ અને કાનપુરથી આવેલા અધિકારીઓ પાંચ દિવસની કાર્યવાહી પૂરી કર્યા બાદ ઘરે પાછા ગયા હતા.

  • Follow us on: