• સંરક્ષણ મંત્રાલયનું HALને 65,000 કરોડનું ટેન્ડર જારી

  • સ્વદેશી મિલિટરી હાર્ડવેરનો સરકાર દ્વારા અપાયેલો સૌથી મોટો ઓર્ડર
  • સંરક્ષણ મંત્રાલયે HALને ટેન્ડર અંગે જવાબ આપવા ત્રણ મહિનાનો સમય આપ્યો

કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે સંરક્ષણ મામલે આત્મનિર્ભરતાની દિશામાં મોટું પગલું ભર્યું છે. સંરક્ષણ મંત્રાલયે જાહેર ક્ષેત્રની કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ને 65 હજાર કરોડ રૂપિયાનું ટેન્ડર જારી કર્યું છે, જે અંતર્ગત HAL પાસેથી 97 LCA માર્ક-1A યુદ્ધવિમાનો ખરીદવામાં આવશે. સ્વદેશી મિલિટરી હાર્ડવેર માટે ભારત સરકાર દ્વારા અપાયેલો આ સૌથી મોટો ઓર્ડર છે. સંરક્ષણ મંત્રાલયે HALને ટેન્ડર અંગે જવાબ આપવા ત્રણ મહિનાનો સમય આપ્યો છે. આ ડીલ થઇ તો એર ફોર્સના મિગ-21, મિગ-23 અને મિગ-27 યુદ્ધવિમાનોનું સ્થાન ભારતમાં બનેલા LCA માર્ક-1A યુદ્ધવિમાનો લેશે. સ્વદેશી શસ્ત્રસરંજામને પ્રોત્સાહન આપવાની દિશામાં આ ખૂબ મહત્વનું પગલું છે.

તેનાથી સંરક્ષણ ક્ષેત્રની નાના અને મધ્યમ કદની કંપનીઓને પણ બિઝનેસનો ફાયદો થશે. વડાપ્રધાન મોદી HALને સતત પ્રોત્સાહન આપી રહ્યા છે અને આ જ કારણથી તમામ પ્રકારના સ્વદેશી યુદ્ધવિમાનો, હેલિકોપ્ટર્સ અને એન્જિનોના નિર્માણની ડીલ HALને મળી રહી છે. એર ફોર્સ HALને અગાઉ 83 LCA માર્ક-1A યુદ્ધવિમાનોનો ઓર્ડર આપી ચૂક્યું છે, જે અંતર્ગત પહેલું યુદ્ધવિમાન થોડાં અઠવાડિયામાં એર ફોર્સને મળી જશે. LCA માર્ક-1A તેજસ એરક્રાફ્ટનું આધુનિક વર્ઝન છે. 97 LCA માર્ક-1છ યુદ્ધવિમાનોની ડીલ અંગે એર ફોર્સના વડા એર ચીફ માર્શલ વી. આર. ચૌધરીએ સૌપ્રથમ સ્પેનમાં માહિતી આપી હતી. તાજેતરમાં તેમણે સ્વદેશી યુદ્ધવિમાનો મુદ્દે સમીક્ષા બેઠક પણ કરી હતી, જેમાં HALના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા.

ભારત-ઉઝબેકિસ્તાન વચ્ચે સોમવારથી સંયુક્ત લશ્કરી કવાયત

ભારત અને ઉઝબેકિસ્તાનના સૈન્યો 15 એપ્રિલથી ઉઝબેકિસ્તાનના તરમેજમાં સંયુક્ત લશ્કરી કવાયત આરંભશે. બંને દેશોના સૈન્યો વચ્ચે આ પાંચમી લશ્કરી કવાયત છે, જે 28 એપ્રિલ સુધી ચાલશે. તેમાં બંને દેશોના 45-45 સૈનિકો ભાગ લેશે. છેલ્લે ગત વર્ષે ફેબ્રુઆરીમાં ઉત્તરાખંડના પિથૌરાગઢમાં બંને દેશોના સૈન્યો વચ્ચે લશ્કરી કવાયત યોજાઇ હતી.


  • Follow us on: