• વિમાન શિરસગામની પાસે ખેતરમાં થયું દુર્ઘટનાગ્રસ્ત
  • દુર્ઘટનાગ્રસ્ત થયા બાદ વિમાનમાં આગ લાગી
  • વિમાનના ભાગો 500 મીટરની ત્રિજ્યામાં ફેલાયેલા છે

ભારતીય વાયુસેનાનું એક સુખોઈ ફાઈટર પ્લેન મંગળવારે ક્રેશ થયું હતું. મહારાષ્ટ્રના નાસિકમાં આ અકસ્માત થયો હતો. નાસિક રેન્જના સ્પેશિયલ ઈન્સ્પેક્ટર જનરલ ડી આર કરાલેએ જણાવ્યું કે સુખોઈ Su-30 MKI એરક્રાફ્ટના પાઈલટ અને કો-પાઈલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા. વિમાન શિરગાંવ ગામ પાસે એક ખેતરમાં ક્રેશ થયું હતું.

ઈજાગ્રસ્ત પાયલટને સારવાર માટે દાખલ કરાયા

અધિકારીએ જણાવ્યું કે વિમાન વિંગ કમાન્ડર બોકિલ અને તેમના સેકન્ડ ઇન કમાન્ડ બિસ્વાસ દ્વારા ઉડાડવામાં આવી રહ્યું હતું. અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે બંને પાઇલટ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા અને તેમને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તેમને HAL હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ક્રેશ થયા બાદ પ્લેનમાં આગ લાગી હતી, જેને ઓલવી લેવામાં આવી છે. વિમાનના ભાગો 500 મીટરની ત્રિજ્યામાં ફેલાયેલા છે. ભારતીય વાયુસેના, HAL સિક્યુરિટી અને HAL ટેકનિકલ યુનિટની ટીમોએ સ્થળની મુલાકાત લીધી હતી.

જાણો Sukhoi Su-30 MKI જેટની ખાસિયતો

રશિયન સુખોઈ Su-30 MKI ભારતીય વાયુસેનાનું સૌથી શક્તિશાળી વિમાન માનવામાં આવે છે. ભારતીય વાયુસેના પાસે 272 સક્રિય Sukhoi Su-30 MKI છે, આ એરક્રાફ્ટમાં બે એન્જિન અને બે પાઈલટ માટે બેઠક છે. આમાંના કેટલાક એરક્રાફ્ટને સુપરસોનિક મિસાઈલ બ્રહ્મોસ લોન્ચ કરવા માટે અપગ્રેડ પણ કરવામાં આવ્યા છે. સુખોઈ એરક્રાફ્ટ 3,000 કિલોમીટર સુધી હુમલો કરી શકે છે. જ્યારે તેની ક્રૂઝ રેન્જ 3,200 કિલોમીટર સુધી છે અને કોમ્બેટ ત્રિજ્યા 1,500 કિલોમીટર છે. વજનમાં ભારે હોવા છતાં આ ફાઇટર પ્લેન તેની હાઇ સ્પીડ માટે જાણીતું છે. આ એરક્રાફ્ટ 2,100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આકાશમાં ઉડી શકે છે.

  • Follow us on: