છેલ્લા ઘણા સમયથી ફ્લાઇટમાં બોમ્બ હોવાની ધમકી મળી આવી રહી છે. ત્યારે આ તો એર ઇન્ડિયાની ફ્લાઇટમાંથી કારતૂસ મળી આવ્યુ હોવાનું સામે આવ્યું હતું. એર ઈન્ડિયાના જણાવ્યા પ્રમાણે આ કારતૂસ દુબઈથી દિલ્હી આવી રહેલી ફ્લાઈટની સીટના એક ખાનામાંથી મળી આવ્યું હતું. કારતૂસ પ્લેનમાં કેવી રીતે પહોંચ્યુ તેને લઇને એર ઇન્ડિયા તરફથી એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસ તપાસમાં જોડાઇ છે.
27 ઑક્ટોબરે બની હતી ઘટના
એર ઈન્ડિયાના પ્રવક્તાએ કહ્યું કે 27 ઓક્ટોબર, 2024ના રોજ દુબઈથી દિલ્હી આવ્યા બાદ ફ્લાઈટ AI 916ની સીટના ખાનામાંથી એક કારતૂસ મળી આવ્યું હતું. જો કે, કોઈપણ મુસાફરને કોઈ નુકસાન થયું ન હતું અને તમામ મુસાફરોને લેન્ડિંગ બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. એર ઈન્ડિયા દ્વારા નિર્ધારિત સુરક્ષા પ્રોટોકોલને અનુસરીને, તરત જ એરપોર્ટ પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.
બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ઉલ્લેખનીય છે કે 26 ઓક્ટોબર પહેલા 13 દિવસમાં ઈન્ડિયન એરલાઈન્સની 300થી વધુ ફ્લાઈટને બોમ્બની ધમકીની ખોટી માહિતી મળી હતી. મોટાભાગની ધમકીઓ સોશિયલ મીડિયા દ્વારા આપવામાં આવી હતી. માત્ર 22 ઑક્ટોબરે, ઇન્ડિગો અને એર ઇન્ડિયાની 13 ફ્લાઇટ્સ સહિત લગભગ 50 ફ્લાઇટ્સને ધમકીઓ મળી હતી.
તપાસ તેજ
સૂત્રોના જણાવ્યા અનુસાર ફ્લાઇટના રૂટીન ચેકઅપ દરમિયાન કારતૂસ મળી આવ્યું હતું. ફ્લાઇટ લેન્ડ થયા પછી અને તમામ મુસાફરો નીચે ઉતર્યા પછી, કેબિન ક્રૂ અને સુરક્ષા ટીમે નિયમિત તપાસ હાથ ધરી જ્યારે સીટમાંથી કારતૂસ મળી આવ્યું. હાલમાં આ કારતૂસ પ્લેનમાં કેવી રીતે આવ્યું અને તેને લાવવાનો હેતુ શું હતો તેની તપાસ કરવામાં આવી રહી છે.