• એર ઈન્ડિયા એક્સપ્રેસના ક્રૂ મેમ્બર્સ અચાનક ઉતરી ગયા રજા પર

  • ફ્લાઇટ કેન્સલની જાણ થતાં એરપોર્ટ પર મચી ગઈ હતી અફરાતફરી
  • કંપની દ્વારા સત્તાવાર નિવેદન જાહેર કરી રિફંડ આપવાની વાત કરી

એર ઈન્ડિયાની એક સાથે 78 ફ્લાઇટ્સ કેન્સલ થયા બાદ દેશની એરલાઇન્સ કંપની એર ઈન્ડિયા ફરી એકવાર ચર્ચામાં આવી ગઈ છે. કંપનીના ક્રૂ મેમ્બર્સ અચાનક રજાઓ પર ઉતરી જતાં મોત પ્રમાણમાં ફ્લાઇટ્સ કેન્સલ કરવાની ફરજ કરી હતી. વાસ્તવમાં, એર ઈન્ડિયાના ક્રૂ મેમ્બર્સ અચાનક બીમારીનું બહાનું કરીને રજાઓ પર ઉતરી ગયા હતા. જેને કારણે કંપનીએ એક બે નહીં પરંતુ 78 જેટલી ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી હતી.

કંપની આપશે રિફંડ 

એવામાં સૌથી મોટી સવાલ એ થાય છે કે તે મુસાફરોનું શું જેઓ 78 ફ્લાઇટ્સમાં મુસાફરી કરવાના હતા. જોકે, એર ઈન્ડિયાએ નિવેદન જાહેર કરીને કહ્યું છે કે આ મુસાફરોને તેમનું રિફંડ મળી જશે અથવા અન્ય ફ્લાઇટ્સમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. જો તમે પણ આ મુસાફરોમાંથી એક છો જેમની ફ્લાઇટ કેન્સલ થઈ હતી તો ચાલો તમને જણાવી દઈએ કે તમને તમારું રિફંડ કેવી રીતે મળશે.

એરલાઇન્સ દ્વારા અપાયું સત્તાવાર નિવેદન

એર ઈન્ડિયા એક્સપ્રેસના પ્રવક્તાએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે કેબિન ક્રૂના એક સેકશન દ્વારા મંગળવારે રાત્રે અચાનક બીમાર હોવાની સૂચના આપી હતી. જેને કારણે ફ્લાઇટ્સમાં મોડું થયું અને બાદમાં ફ્લાઇટ્સ કેન્સલ કરવી પડી. પ્રવક્તાએ જણાવ્યું કે આ તમામ ઘટનાઓ પાછળના કારણો સમજવા માટે ક્રૂ મેમ્બર્સ સાથે વાતચીત કરવામાં આવી રહી છે, સાથે જ મુસાફરોને થનાર તકલીફોને દૂર કરવા માટે એરલાઇન્સના અધિકારીઓ સક્રિય રૂપે કામે લાગેલા છે.

પ્રવક્તાએ તમામ મુસાફરોને એરલાઇન્સ વતીથી અસુવિધાઓને લઈને માફી માંગતા કહ્યું છે કે ફ્લાઇટ કેન્સલેશનથી પ્રભાવિત મુસાફરોને સંપૂર્ણ રિફંડ અને વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરી આપવામાં આવશે. ઉપરાંત, પ્રવક્તાએ જે મુસાફરોની બુધવારે ફ્લાઈટ છે તેમને સંદેશ આપવા પ્રયાસ કર્યો છે કે મુસાફરો એરપોર્ટ આવતા પહેલા પોતાની ફ્લાઈટનું શિડ્યુલ ચેક કરી લે.

મુસાફરોને આપવામાં આવ્યા આ બે વિકલ્પો

એરલાઇન તરફથી મુસાફરોને આ બે વિકલ્પો આપવામાં આવ્યા છે. એક તો એ કે મુસાફરો સંપૂર્ણ રિફંડ મળી જાય. અને બીજું કે મુસાફરોને વૈકલ્પિક ફ્લાઇટ આપવામાં આવે. એર ઈન્ડિયા એક્સપ્રેસના જણાવ્યા અનુસાર મુસાફરો બંને માંથી કોઈ એક વિકલ્પ પસંદ કરી શકે છે. એરલાઇને તમામ મુસાફરોને આશ્વાસન આપ્યું છે કે તેમને કોઈપણ પ્રકારની હાલાકી નહિ વેઠવી પડે. જો તેમને રિફંડ જોઈતું હોય તો તેમને સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. અને જો તેઓ પોતાની ફ્લાઇટને રિશિડ્યૂલ કરવા માંગે છે તો તેમને વૈકલ્પિક ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવશે.

આ રીતે કરી શકાશે રિશિડ્યૂલ

એર ઈન્ડિયા એક્સપ્રેસના FAQ મુજબ, કોઈપણ પેસેન્જર કે જે ફ્લાઇટ કેન્સલ થયા પછી ફરીથી શેડ્યૂલ કરવા માંગે છે તે આગામી 7 દિવસમાં ફ્લાઈટની પસંદગી કરી શકે છે. રિશિડ્યૂલ માટે કંપનીની વેબસાઈટ પર જઈને રિશેડ્યૂલ માટે વિનંતી પણ કરી શકાય છે. આ ઉપરાંત મુસાફરો એરલાઇનના ટિયા ચેટબોટના માધ્યમથી પણ રિક્વેસ્ટ મોકલી શકાય છે.

આવી રીતે મળશે રિફંડ

જો તમે તમારી ફ્લાઇટ રિશિડ્યૂલ કરવા નથી માંગતા અને તમારે રિફંડ જોઈએ છે તો તમે સંપૂર્ણ રિફંડ માટે પણ અરજી કરી શકો છો. આ માટે તમારે કંપનીની વેબસાઈટ પર પણ જવું પડશે. અથવા તમે ટિયા ચેટબોટના ના માધ્યમથી રિક્વેસ્ટ મોકલી શકો છો. આ માટે તમારે તમારો PNR નંબર આપવાનો રહશે. જો મુસાફરે ટિકિટ રોકડમાં લીધી હોય, તો પૈસા તરત જ રોકડમાં પરત કરવામાં આવશે. જો ક્રેડિટ કાર્ડ દ્વારા ટિકિટ બુક કરાવી હશે તો પૈસા એક સપ્તાહની અંદર રિફંડ કરવામાં આવશે.

રિફંડ માટે અહીથી પણ કરી શકો ફરિયાદ

જો ટિકિટ રિફંડને લઈને એરલાઇન્સ કંપનીઓ તરફથી હાલાકી પડી રહી હોય તો મુસાફરો એરલાઇન રેગ્યુલેટરને ફરિયાદ પણ કરી શકે છે. મુસાફરોએ DGCA સત્તાવાર વેબસાઇટ www.dgca.gov.in/digigov-portal/ પર જવું પડશે. અહીં મુસાફરો સંબંધિત એરલાઇન વિશે ફરિયાદ કરી શકે છે.

78 ફ્લાઈટ અચાનક થઈ કેન્સલ

મંગળવારે રાત્રે એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ જ્યારે મુસાફરોને જાણ થઈ કે એર ઈન્ડિયા એક્સપ્રેસની અનેક ફ્લાઇટ્સ કેન્સલ થઈ ગઈ. સવારે ખ્યાલ આવ્યો કે એર ઈન્ડિયા એક્સપ્રેસના ક્રૂ મેમ્બર્સ સિક લિવ પર ઉતરી ગયા છે. જેના કારણે મંગળવાર રાતથી બુધવાર સવાર સુધી 78 ફ્લાઈટ્સ કેન્સલ કરવામાં આવી છે. વાસ્તવમાં એપ્રિલના છેલ્લા સપ્તાહમાં એર ઈન્ડિયા એક્સપ્રેસ યુનિયને એન ચંદ્રશેખરનને તેમની માંગણીઓને લઈને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે ગેરવહીવટ અને ભેદભાવ જેવા આક્ષેપો કર્યા હતા.


  • Follow us on: