• 30 જૂનના રોજ યોજાઇ હતી રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક
  • અજીત પવારને પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવ્યા 
  • અજીત પાવર જૂથે ચૂંટણી પંચ સમક્ષ કર્યો દાવો 

મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ જોવા મળી રહ્યો છે. NCPમાં ચાલી રહિલી જૂથબંધી અને છેલ્લા કેટલાય સમયથી અજીત પવાર અને શરદ પવાર વચ્ચેના ઘર્ષણ બાદ NCPમાં બંને જૂથોએ પોતાનું શક્તિ પ્રદર્શન કર્યું હતું. ત્યારે હવે, મહારાષ્ટ્રના નવનિયુક્ત ઉપમુખ્યમંત્રી અજીત પવારે પોતાના કાકા શરદ પવારને NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ પદેથી હટાવી દીધા છે. હવે અજીત પવાર પોતે NCPના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા છે. 

અજીત પવારને બનાવવામાં આવ્યા NCPના અધ્યક્ષ

અજીત પવાર જૂથે ચૂંટણી પંચ સમક્ષ મોટો દાવો કર્યો છે. પોતાના દાવામાં શરદ પવારને સ્થાને અજીત પવારને NCPના અધ્યક્ષ બનાવવાની વાત કરવામાં આવી છે. જાણવા મળી રહ્યું છે કે કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલે 30 જૂનના રોજ રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવી હતી. તેમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે કે પાર્ટી લોકોના કલ્યાણના ઉદ્દેશ્યથી દૂર જઈ રહી છે એવામાં શરદ પવારના સ્થાને અજીત પવારને પાર્ટીના અધ્યક્ષ ચૂંટી કાઢવામાં આવ્યા છે.

બંને જૂથોએ ચૂંટણી પંચ સમક્ષ શું કહ્યું?

NCPના નામ અને ચૂંટણી ચિન્હ પર દાવાને લઈને અજીત અને શરદ પવાર બંને જૂથ ચૂંટણી પંચ સમક્ષ પહોંચ્યા હતા. પહેલા શરદ પવાર જૂથે અરજી કરી હતી. તેમની અરજીમાં કહેવામાં આવ્યું હતું કે કોઈપણ NCP પર પોતાના આધિપત્યનો દાવો પંચ સમક્ષ કરે તો પંચ શરદ પવારને પણ સાંભળે.

તેના કેટલાંક કલાકો બાદ અજીત પવાર જૂથે પોતાના 40થી વધુ ધારાસભ્યોના શપથ પત્રો સાથે પક્ષ પર પોતાનો દાવો કર્યો હતો. અજીત પવાર જૂથના 40થી વધુ ધારાસભ્યો, સાંસદો અને MLCના સોગંદનામાની સાથે પાર્ટી પર પોતાનો દાવો કર્યો હતો. જોકે, આજે તેમની બેઠકમાં 31 ધારાસભ્યો જ પહોંચ્યા હતા.

તો શરદ પવાર જૂથે ચૂંટણી પંચ સમક્ષ વિનંતી કરી હતી કે કોઈપણ જો NCP પર પોતાના અધિકાર અને નામ નિશાન પર દાવો કરે તો આયોગ તેમની દલીલ પણ સાંભળે. શરદ પવાર જૂથે પાર્ટીના બળવાખોર નેતાઓનું લિસ્ટ પણ ચૂંટણી પંચને આપ્યું હતું. પંચને એમ પણ જણાવવામાં આવ્યું હતું કે સત્તાધારી ગઠબંધનમાં મંત્રી તરીકે શપથ લેનાર બળવાખોર ધારાસભ્યને પાર્ટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.

અજીત પવારને 29 ધારાસભ્યોનુ સમર્થન

અજીત પવારના નેતૃત્વમાં NCPની બેઠકમાં પાર્ટીના 29 ધારાસભ્યો અને 4 MLC સામેલ થાય છે. છગન ભુજબળ અને ધનંજય મુંડે ઉપરાંત બાબા આત્રામ, અન્ના બનસોડે, માણિકરાવ કોકાટે, દત્તા ભરણે, અદિતિ તટકરે, નરહરી ઝિરવાલ, સુનીલ શેલકે, નિલેશ લંકે, દિલીપ વાલસે પાટીલ, રામરાજે નાઈક નિમ્બાલકર અને હસન મુશ્રીફ હાજર છે. આ સાથે જ ત્રણ MLC અનિકેત તટકરે, અમોલ મિતકારી અને વિક્રમ કાલે પણ અજિત પવારના સમર્થનમાં આવ્યા છે.

શરદ પવારને 17 ધારાસભ્યો, 3, MLC અને 5 સાંસદોનુ સમર્થન

તે જ સમયે, મુંબઈના વાયબી ચવ્હાણ સભાગૃહમાં શરદ પવારની આગેવાની હેઠળની બેઠકમાં કુલ 17 ધારાસભ્યો, 3 એમએલસી અને 5 સાંસદો હાજર છે. ધારાસભ્યોમાં અનિલ દેશમુખ, રોહિત પવાર, રાજેન્દ્ર શિંગણે, અશોક પવાર, કિરણ લહમાટે, પ્રાજક્તા તાનપુરે, બાલાસાહેબ પાટીલ, જિતેન્દ્ર આવ્હાડ, ચેતન વિઠ્ઠલ તુપે, જયંત પાટીલ, રાજેશ ટોપે, સંદીપ ક્ષીરસાગર અને દેવેન્દ્ર ભુયારનો સમાવેશ થાય છે.

5 સાંસદોમાં લોકસભા સાંસદ શ્રીનિવાસ પાટીલ, સુપ્રિયા સુલે, અમોલ કોલ્હે, તેમજ રાજ્યસભા સાંસદ ફૌઝિયા ખાન અને વંદના ચવ્હાણનો સમાવેશ થાય છે. 3 એમએલસીમાં શશિકાંત શિંદે, બાબાજાની દુરાની, એકનાથ ખડસેનો સમાવેશ થાય છે.


  • Follow us on: