- આલ્કોહોલનો પહેલો ઘૂંટ પીવાથી જ કેન્સરનું જોખમ શરૂ થઇ જાય છે
- ભારતમાં સૌથી વધુ દારૂ અરુણાચલ પ્રદેશમાં પીવાય છે
- WHOએ તાજેતરમાં જ ધ લાન્સેટ પબ્લિક હેલ્થમાં એક રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો
આલ્કોહોલના સેવનને લઇને પાછલા ઘણા વર્ષોથી વિવિધ શોધ થઇ ચૂકી છે. તેમાં અલગ અલગ દાવા પણ કરવામાં આવ્યા છે. જો કે હવે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન(ડબલ્યુએચઓ)એ આલ્કોહોલને લઇને ચોંકાવનારો દાવો કર્યો છે. WHOએ તેના એક રિપોર્ટમાં જણાવ્યું છે કે આલ્કોહોલનો પહેલો ઘૂંટ પીવાથી જ કેન્સરનું જોખમ શરૂ થઇ જાય છે. આ ઉપરાંત તેમાં એમ પણ જણાવાયું છે કે આલ્કોહોલના સેવનમાં એવી કોઇ માત્રા નથી કે જેના માટે એમ કહી શકીએ કે આટલી માત્રામાં શરાબનું સેવન કરવાથી શરીરને કોઇ હાની નહી થાય. WHOએ તાજેતરમાં જ ધ લાન્સેટ પબ્લિક હેલ્થમાં એક રિપોર્ટ પ્રસિદ્ધ કર્યો છે જેમાં એમ કહેવામાં આવ્યું છે કે જ્યારે આલ્કોહોલના વપરાશની વાત આવે છે ત્યારે એવી કોઇ સુરક્ષિત માત્રા નથી જે સ્વાસ્થ્યને પ્રભાવિત ના કરે. નોન-કોમ્યુનિકેબલ ડિસીઝ મેનેજમેન્ટ અને ક્ષેત્રિય સલાહકાર ડો. કેરિના ફેરેરા બોર્ગેસ કહે છે કે આપણે આલ્કોહોલના ઉપયોગના તથાકથિત સુરક્ષિત લેવલને લઇને કોઇ દાવો કરી શકીએ નહીં.
આલ્કોહોલનું સેવન કરવાથી સાત પ્રકારના કેન્સરનો ખતરો
આ અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે આલ્કોહોલનું સેવન કરવાથી ઓછામાં ઓછા સાત પ્રકારના કેન્સરનો ખતરો અત્યંત વધી જાય છે. તેમાં મોઢાનું કેન્સર, ગળાનં કેન્સર, લિવર કેન્સર, એસોફૈગસ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, કોલન કેન્સરનો સમાવેશ થાય છે. વાસ્તવમાં આલ્કોહોલ કોઇ સામાન્ય પેય પદાર્થ નથી, તે શરીરને અનહદ નુકસાન કરે છે. આલ્કોહોલ એક એવું વિષીલું પીણું છે જેને દાયકાઓ પહેલાં ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સર તરફથી સમૂહ-1 કાર્સિનોઝેનના રૂપમાં વર્ગીકૃત કર્યું હતું. તે સૌથી વધારે જોખમ ભરેલું છે. આ જૂથમાં એસ્બેસ્ટસ અને તંબાકુનો પણ સમાવેશ થાય છે.
વધારે માત્રામાં સેવન કેન્સરનું જોખમ અનેકગણું વધારે છે
WHO એ પોતાના અભ્યાસમાં દાવો કર્યો છે કે ઇથેનોલ(આલ્કોહોલ) જૈવિક તંત્રના માધ્યમથી કેન્સરનું કારણ બને છે. તેનો અર્થ સ્પષ્ટ છે કે આલ્કોહોલ ગમે તેટલો મોંઘો કેમ ના હોય અને પછી ભલે તેને ઓછી માત્રામાં પીવામાં આવે પણ તે કેન્સરનું જોખમ પેદા કરે જ છે. અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે જો વધારે માત્રામાં આલ્કોહોલનું સેવન કરવામાં આવે તો કેન્સર થવાની સંભાવના અનેકગણી વધી જાય છે.
યુરોપમાં કેન્સર થવાનું કારણ - આલ્કોહોલ
નવા આંકડા દર્શાવે છે કે યુરોપિયન ક્ષેત્રમાં કેન્સર થવાનું એકમાત્ર કારણ આલ્કોહોલ છે. તેમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે જેમણે ખૂબ ઓછી માત્રામાં આલ્કોહોલનું સેવન કર્યું હતું. સાથે યુરોપિયન યુનિયનમાં કરવામાં આવેલા અભ્યાસમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે ત્યાં મોત માટેનું સૌથી મોટું કારણ કેન્સર છે.
ભારતમાં આલ્કોહોલ સેવનની શું સ્થિતિ છે?
2020માં વિશ્વભરમાં 7.40 લાખ કેન્સરના કેસીસ માટે આલ્કોહોલ જવાબદાર હતો ત્યારે બીજી તરફ ભારતમાં પાછલા ત્રણ દાયકામાં પુરુષો અને મહિલાઓમાં આલ્કોહોલનું સેવન વધી ગયું છે. પાછલા વર્ષે મેડિકલ જર્નલ લાન્સેટમાં પ્રકાશિત થયેલાં એક અભ્યાસ અનુસાર 40-64 વર્ષના એજ જૂથમાં આલ્કોહોલના સેવનમાં સૌથી મોટો વધારો થયો છે. 1990થી અત્યાર સુધીમાં આ જૂથનો વપરાશ 5.63 ટકા વધ્યો હતો. તેના પછી સમાન ગાળા દરમિયાન 15-39ના વય જૂથમાં આલ્કોહોલનું સેવન 5.24 ટકા વધી ગયું છે.