કર્ણાટકમાં 200 થી વધુ રોકાણકારોએ સાયબર પોલીસને ફરિયાદ કરી છે કે છેલ્લા 5-6 મહિનામાં તેમની સાથે લગભગ 2 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ છે. આ એપનું નામ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નામ પરથી રાખવામાં આવ્યું છે, પરંતુ તેમાં તેમના AI-જનરેટેડ વીડિયો અને ફોટા છે જેની મદદથી ઈનવેસ્ટરોને છેતર્યા છે. અજાણ્યા સાયબર છેતરપિંડી કરનારાઓએ 'ટ્રમ્પ હોટેલ રેન્ટલ' નામની એક એપ દ્વારા આ કૌભાંડ આચર્યું હતું, જેમાં રોકાણકારોને ટૂંકા ગાળામાં મોટા વળતર માટે પૈસા જમા કરાવવા વિનંતી કરવામાં આવી હતી.
800 થી વધુ રોકાણકારો ફસાયા
પોલીસે દાવો કર્યો હતો કે આ કૌભાંડમાં 800 થી વધુ રોકાણકારો ફસાયા હતા, જેમાંથી કેટલાકે ઝડપી વળતરની આશામાં 10 લાખ રૂપિયાથી વધુનું રોકાણ કર્યું હતું. કર્ણાટકમાં હાવેરી ઉપરાંત બેંગલુરુ, તુમકુરુ, મેંગલુરુ, હુબલી, ધારવાડ, કાલાબુર્ગી, શિવમોગ્ગા, બલ્લારી અને બિદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયા છે. ફરિયાદોના આધારે અધિકારીઓએ તપાસ શરૂ કરી. CEN (સાયબર ક્રાઇમ, ઇકોનોમિક ઓફેન્સિસ, નાર્કોટિક્સ) ના અધિકારીઓના જણાવ્યા અનુસાર, હવે બંધ થયેલી એપ્લિકેશનની જાહેરાતોમાં આકર્ષક વળતર, વિદેશમાં કામની તકો અને રોકાણની સંભાવનાઓનું વચન આપવામાં આવ્યું હતું.
આ રીતે કરી છેંતરપીડી
CEN વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે એપ્લિકેશન પરના ડેશબોર્ડમાં રોકાણ પરના વળતરની યાદી આપવામાં આવી હતી અને તેનો ઉપયોગ વધુ રોકાણ આકર્ષવા માટે કરવામાં આવ્યો હતો. રોકાણકારને સોંપાયેલ દરેક કાર્ય પૂર્ણ થવા પર, એપ્લિકેશન ડેશબોર્ડ પર તેમની 'આવક'માં વધારો બતાવશે પરંતુ વાસ્તવમાં પૈસા જમા થઈ રહ્યા ન હતા. હાવેરી જિલ્લામાં કુલ 15 કેસ નોંધાયા છે. આ યોજનામાં ઘણા પીડિતોએ પૈસા ગુમાવ્યા છે પરંતુ તેઓ ફરિયાદ નોંધાવવા માટે આગળ આવી રહ્યા નથી. આ વર્ષે 25 જાન્યુઆરીથી 4 એપ્રિલ દરમિયાન, એક વકીલને લગભગ 6 લાખ રૂપિયાનું નુકસાન થયું.
પોલીસે શું કહ્યું?
હાવેરી જિલ્લાના એસપી અંશુ કુમારે જણાવ્યું હતું કે, "જિલ્લામાંથી ટ્રમ્પના નામે એક એપ દ્વારા લોકો સાથે છેતરપિંડીના કેટલાક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ટ્રમ્પ હોટેલ રેન્ટલ નામની આ એપમાં, રોકાણકારને પહેલા 50 કે 100 રૂપિયાનું રોકાણ કરવાનું કહેવામાં આવે છે અને તેને એપમાંથી 500 રૂપિયાનું વળતર મળે છે." રોકાણકારોનો વિશ્વાસ જીત્યા પછી, તેમને એપમાં મોટી રકમનું રોકાણ કરવાનું વચન આપવામાં આવે છે અને બદલામાં મોટા વળતરનું વચન આપવામાં આવે છે અને આમ આ છેતરપિંડી આચરવામાં આવે છે. 15મી તારીખે, આવા જ એક રોકાણકારે CEN ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં તેણે કહ્યું હતું કે તેની સાથે 6 લાખ રૂપિયાની છેતરપિંડી થઈ છે. આ અંગે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને કેટલાક લોકોએ ફરિયાદ પણ કરી છે. આ કેસની તપાસ ચાલી રહી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે તેઓ આવી એપ્સથી દૂર રહે જે પૈસા બમણા કરવાના બહાને લોકોને છેતરે છે.