- રાષ્ટ્રીય બાળઅધિકાર સંરક્ષણ પંચે જિલ્લા તંત્રને પાઠવી નોટિસ
- મારપીટમાં 20 વિદ્યાર્થિની ઘાયલ થઇ હતી : મીડિયા અહેવાલ
- ચિતરપુર ખાતેની આરબી હાઇસ્કૂલ ખાતે ઘટના બની હતી
ઝારખંડમાં રામગઢ ગામની શાળામાં વિદ્યાર્થિનીઓની થયેલી છેડછાડ તેમજ હિંદુ સહિતની બિનમુસ્લિમ વિદ્યાર્થિનીઓ પાસે ઇસ્લામ ઝિંદાબાદના સૂત્રોચ્ચાર કરાવ્યાને મુદ્દે હોબાળો મચ્યો છે. હવે રાષ્ટ્રીય બાળઅધિકાર સંરક્ષણ પંચે પણ આ ઘટનાની ગંભીર નોંધ લીધી છે. પંચના અધ્યક્ષ પ્રિયંગા કાનૂંગોએ આ ઘટના સંદર્ભમાં જિલ્લા વહીવટી તંત્રને નોટિસ પાઠવી છે. પ્રિયંકા કાનૂંગોએ એક્સ પર આ ઘટનાની જાણકારી આપી હતી. પ્રિયંકાએ એક્સ પર લખ્યું હતું કે, 'ઝારખંડના રામગઢ ખાતે શાળાની વિદ્યાર્થિનીઓ સાથે છેડછાડ અને મારપીટ થયાની તેમજ બિનમુસ્લિમ કન્યાઓ પાસે ઇસ્લામ ઝિંદાબાદ જેવો સૂત્રોચ્ચાર કરાવવામાં આવ્યો તે ઘટનાની પંચે નોંધ લીધી છે. પંચે જિલ્લા વહીવટીતંત્રને નોટિસ પાઠવીને, એફઆઇઆર દાખલ કરવા અને ગુંડાઓની ધરપકડ કરવા તેમ જ બાળકીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા સૂચના આપી છે.'
આ ઘટનાને પગલે લોકોમાં આક્રોશ પ્રવર્તી રહ્યો છે. લોકોએ તમામ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગણી સાથે પોલીસ મથકને ઘેરાવ કર્યો હતો. પોલીસે કહ્યું કે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને પૂર્વ મુખ્યપ્રધાન બાબુલાલ મરાંડીએ પણ આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે.










