- અમરનાથ યાત્રાને લઇને જિલ્લા પ્રશાસન તૈયાર
- ઉધમપુર જિલ્લા પ્રશાસન કરી રહ્યુ છે તૈયારી
- યાત્રીઓને અગવડ ન પડે તેનું રખાશે ખાસ ધ્યાન
29 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થઇ રહી છે. ત્યારે 22 જૂનના રોજ અમરનાથની પ્રથમ તસવીર સામે આવી હતી. 22 જૂન શનિવારે અમરનાથ ગુફામાં 'પ્રથમ પૂજા' કરવામાં આવી હતી. શ્રી અમરનાથજી શ્રાઈન બોર્ડના અધ્યક્ષ અને જમ્મુ અને કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહાએ વર્ચ્યુલી હાજર રહીને પૂજા કરી હતી. ત્યારે યાત્રાને લઇને કેવી તૈયારીઓ કરવામાં આવી રહી છે આવો જાણીએ,
ઉધમપુર જિલ્લા પ્રશાસને કરી તૈયારીઓ
અમરનાથયાત્રા 2024 સુચારુ સંચાલન થાય તે માટે ઉધમપુર જિલ્લા પ્રશાસને કમર કસી છે. ઉધમપુર જિલ્લા વહીવટીતંત્ર 29 જૂનથી શરૂ થનારી શ્રી અમરનાથ યાત્રા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. દક્ષિણ કાશ્મીરમાં 12,700 ફૂટની ઉંચાઈ પર સ્થિત અમરનાથ ગુફાની આ વાર્ષિક યાત્રા ઉધમપુર જિલ્લામાં થઇને આવશે. યાત્રાળુઓ માટે સરળ અને આરામદાયક અનુભવ સુનિશ્ચિત કરવા માટે વહીવટીતંત્રે વ્યાપક વ્યૂહરચના અપનાવી છે.
29જૂનથી યાત્રા શરૂ થશે
29જૂને શરૂ થતી અમરનાથ યાત્રા 52 દિવસ સુધી ચાલશે. 19 ઓગસ્ટે રક્ષાબંધન અને શ્રાવણી પૂર્ણિમાની સાથે સમાપ્ત થશે. દર વર્ષે લાખો લોકો અહીં મુલાકાત લેવા આવે છે. મનોજ સિન્હાએ કહ્યું કે કાશ્મીર હિમાલયમાં સમુદ્ર સપાટીથી 3,888 મીટરની ઊંચાઈ પર સ્થિત ગુફા મંદિરની પવિત્ર યાત્રા હંમેશા સાંપ્રદાયિક સૌહાર્દનું પ્રતીક રહી છે, કારણ કે સ્થાનિક મુસ્લિમો યાત્રાળુઓને ગુફા મંદિર સુધી પહોંચવામાં મદદ કરે છે.
આ ગાઇડલાઇન અનુસરવી જરૂરી
- અમરનાથ યાત્રા દરમિયાન સરકાર દ્વારા કેટલીક મહત્વપૂર્ણ ગાઇડલાઇન આપવામાં આવી છે. જેમાં 13 વર્ષથી ઓછી ઉંમરના બાળકો, ગર્ભવતી મહિલાઓ અને 70 વર્ષથી વધુ ઉંમરના લોકો આ યાત્રા માટે નોંધણી કરાવી શકશે નહીં.
- પ્રવાસ પર જતા પહેલા તમારા કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો જેમ કે આધાર કાર્ડ, મોબાઈલ નંબર, મતદાર આઈડી વગેરે લઈ જઈ શકો છો.
- આ સિવાય તમામ મુસાફરો માટે સ્વાસ્થ્ય પ્રમાણપત્ર પોતાની સાથે રાખવું ખૂબ જ જરૂરી છે. આ માટે મુસાફરોએ કોઈપણ સરકારી હોસ્પિટલમાં જઈને સરકારી માન્યતા પ્રાપ્ત ડૉક્ટર અથવા મેડિકલ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા જારી કરાયેલ સ્વાસ્થ્ય પ્રમાણપત્ર મેળવવું પડશે.
- આરોગ્ય પ્રમાણપત્ર બનાવતી વખતે સમયગાળાને ધ્યાનમાં રાખો કારણ કે આ વર્ષે 8 એપ્રિલ પછી બનાવેલ આરોગ્ય પ્રમાણપત્ર જ આ વર્ષની મુસાફરી માટે માન્ય રહેશે.









