- 29 જૂનથી અમરનાથ યાત્રાની શરૂઆત
- ઉપરાજ્યપાલ મનોજ સિંહાએ દેખાડી લીલીઝંડી
- યાત્રીઓનો પહેલો સમૂહ થયો રવાના
શુક્રવારે જમ્મુથી અમરનાથ યાત્રા માટે યાત્રીઓનો પ્રથમ સમૂહ રવાના થયો. આ પ્રસંગે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ હાજર રહ્યા હતા. તેમણે અમરનાથ બેઝ કેમ્પ ખાતે પૂજા કરી અને ધ્વજવંદન પણ કર્યું. મહત્વનું છે કે 29 જૂનથી અમરનાથ યાત્રા શરૂ થઇ રહી છે ત્યારે આજે યાત્રીઓનો પ્રથમ સમૂહ રવાના થયો હતો.
આ વખતે સુરક્ષા વધારી દેવાઇ- મનોજ સિન્હા
આ પ્રસંગે મનોજ સિન્હાએ કહ્યું કે અમરનાથ યાત્રા માટે જમ્મુથી શ્રદ્ધાળુઓની પહેલી ટુકડી રવાના થઇ છે. સુરક્ષા અંગે વાત કરતા તેમણે કહ્યું કે છેલ્લા 3-4 વર્ષમાં યાત્રા માટે ઘણી વ્યવસ્થા કરવામાં આવી છે અને આ વખતે પણ જમ્મુ-કાશ્મીર પ્રશાસને તમામ જરૂરી વ્યવસ્થા કરી છે. આ ઉપરાંત સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે.
ડ્રોન અને સીસીટીવી કેમેરાથી બાજ નજર
આજે પ્રથમ સમૂહ જમ્મુના બેઝ કેમ્પ ભગવતી નગરથી બાલતાલ અને પહેલગામ માટે રવાના થયો છે. આ યાત્રા 29 જૂનથી શરૂ થશે. યાત્રાના રૂટ પર સુરક્ષા દળોની તૈનાતી વધારી દેવામાં આવી છે. આ સાથે ડ્રોન અને 365 એંગલ સીસીટીવી કેમેરા દ્વારા પેસેન્જર વાહનો પર નજર રાખવામાં આવી રહી છે. જમ્મુ-શ્રીનગર હાઈવે પર દરેક 500 મીટર અને એક કિલોમીટરના અંતરે સુરક્ષા ચોકીઓ ઉભી કરવામાં આવી છે.
યાત્રા પહેલા મળી હતી મીટિંગ
અમરનાથ યાત્રા માટે શ્રદ્ધાળુઓ ખૂબ જ ઉત્સાહિત છે. મુસાફરોએ કહ્યું કે અમે પહેલીવાર દર્શન કરવા જઇ રહ્યા છીએ. બાબાએ અમને બોલાવ્યા છે અને અમે લોકોને પણ કહેવા માંગીએ છીએ કે તેઓ કોઈ પણ ચિંતા કર્યા વિના બાબાના દર્શન કરવા આવે. મહત્વનું છે કે 27 જૂને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ યાત્રાની સુરક્ષા વ્યવસ્થા અંગે એક બેઠક યોજી હતી જેમાં યાત્રા દરમિયાન તમામ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવે તેની ખાતરી કરવામાં આવી હતી. તે પણ સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું કે ડોકટરો, નર્સો અને રાહત અને બચાવ ટીમો તૈનાત કરવામાં આવે.. લેફ્ટનન્ટ ગવર્નરે કહ્યું કે તીર્થયાત્રીઓ જમ્મુ અને કાશ્મીરના બ્રાન્ડ એમ્બેસેડર છે.









