દેશના અનેક લોકોની આસ્થાના કેન્દ્ર એવી અમરનાથ યાત્રા માટે અનેક લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દર વર્ષે હજારો ભક્તો બાબા બર્ફાનીના દર્શને જતા હોય છે. ત્યારે અમરનાથ યાત્રાને લઈને મહત્વપુર્ણ સમાચાર આવી રહ્યા છે. યાત્રા માટે ફરજિયાત એવા રજીસ્ટ્રેશનની પ્રક્રિયા 14 એપ્રિલથી શરૂ થવા જઈ રહી છે.
જો તમે પણ આ વર્ષે અમરનાથ યાત્રાએ જવા ઈચ્છતા હોવ તો આ જાણકારી તમારા માટે જ છે. અમરનાથ યાત્રા 2025,,3 જુલાઈથી શરૂ થઈ રહી છે. અને તે 9 ઑગસ્ટ સુધી ચાલશે. એટલે કે બાબા બર્ફાનીના દર્શન કરવાનો લાહવો આ વર્ષે ભક્તોને 39 દિવસ સુધી મળશે.
અમરનાથ યાત્રાએ જવા માટે તેનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે અને તેની પ્રક્રિયા 14 એપ્રિલથી શરૂ થઈ રહી છે. જેના માટે તમે ઓનલાઈન અને ઓફલાઈન એમ બે પ્રકારે રજીસ્ટ્રેશન કરાવી શકો છો. નક્કી ગાઈડલાઈન પ્રમાણે 13 વર્ષથી 70 વર્ષ વચ્ચેના લોકો જ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવી શકશે. રજીસ્ટ્રેશન કરાવવા માટે આધારકાર્ડ અને હેલ્થ સર્ટીફિકેટ હોવું જરૂરી છે.
ઓફલાઈન રજીસ્ટ્રેશન કેવી રીતે કરાવશો?
અમરનાથ યાત્રા માટે ઓફલાઈન રજિસ્ટ્રેશન દેશભરમાં આવેલી 533 બેંક શાખાઓમાં કરાવી શકાશે. રાજ્યના 20 જિલ્લાઓમાં રજીસ્ટ્રેશન સેન્ટર બનાવવામાં આવ્યા છે. જેમાં પેજાબ નેશનલ બેંક, જમ્મુ અને કાશ્મીર બેંક, યસ બેંક અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખાઓમાં રજીસ્ટ્રેશન કરાવી શકાશે. રજિસ્ટ્રેશન આધારકાર્ડ મારફતે કરવામાં આવશે અને બાયોમેટ્રિક વેરિફિકેશન પણ કરવામાં આવશે.
જાણો ઓનલાઈન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા
- જો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું હોય તો તેના માટે જાણો સ્ટેપ બાય સ્ટેપ પ્રક્રિયા
- સૌથી પહેલા તેની ઓફિશિયલ વેબસાઈટ
- Shri Amarnath Ji Shrine Board ની મુલાકાત લો.
- અહીં Online Services પર ક્લિક કરો.
- હવે અહીં આપેલા ઓપ્શનમાંથી Yatra Permit Registration વિકલ્પ પર ક્લિક કરો
- અહીં આપેલી Do’s અને Don’tsની ગાઈડલાઈન બરાબર વાંચી લો. ત્યારબાદ I agree ના બોક્સ પર ક્લિક કરી Register પર ક્લિક કરી દો.
- અહીં તમારી પર્સનલ ડિટેલ્સ માટેનું એક ફોર્મ દેખાશે. જમાં તમારી તમામ વિગતો ભરી દો. જેવીકે તમારું નામ, જન્મ તારીખ, મોબાઈલ નંબર, આધાર નંબર, યાત્રાની તારીખ વગેરે વગેરે..
- હવે અહીં તમારી મેડિકલ ડિટેલ્સ પણ આપો.. જેમાં તમારું મેડિકલ સર્ટિફિકેટ સ્કેન કરી એટેચ કરી દો. સાથે જ તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો પણ અપલોડ કરી દો. કેપ્ચા આપી submit પર ક્લિક કરી દો.
- હવે OTP દ્વારા તમારા મોબાઈલ નંબરને વેરિફાઈ કરી દો.
- આ સાથે જ તમને તમારા વેરિફાઈ મોબાઈલ નંબર પર 2 કલાકમાં રજિસ્ટ્રેશન ફી માટેની એક લિંક મળશે. આ લિંક પર ક્લિક કરી પેમેન્ટ કરી દો. રજિસ્ટ્રેશન માટેની ફી લગભગ 150 રુપિયાની આસપાસ છે.
- પેમેન્ટ થતાંની સાથે જ તમારું યાત્રા માટેનું રજિસ્ટ્રેશન થઈ જશે. તમે પોર્ટલ પરથી તમારી યાત્રા રજિસ્ટ્રેશન પરમીટ ડાઉનલોડ કરી શકશો.