- લોકસભાની ચૂંટણીને લઇને અમિતશાહની જનસભા
- એડિટેડ વીડિયોને લઇને કોંગ્રેસ પર વરસ્યા શાહ
- છત્તીસગઢના કોરબામાં કર્યા આકરા પ્રહાર
લોકસભાની ચૂંટણીને લઇને ભાજપ પુરજોશમાં પ્રચાર કરી રહી છે. પીએમ મોદી આજે ગુજરાત પ્રવાસે છે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢની મુલાકાતે હતા.અહીં તેમણે કોરબામાં ચૂંટણી સભા સંબોધી હતી. જે દરમિયાન પોતાના એડિટેડ વીડિયોને લઇને અમિત શાહે શું કહ્યું આવો જાણીએ..
છત્તીસગઢમાં સંબોધી જનસભા
ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે ભૂપેશ સરકારે નક્સલવાદને પ્રોત્સાહન આપ્યું. 5 વર્ષમાં ભાજપે ઘણા રાજ્યોમાંથી નક્સલવાદને ખતમ કર્યો છે. ભૂપેશ બઘેલ તેને નકલી એન્કાઉન્ટર ગણાવે છે. નક્સલવાદીઓએ પોતે જ સ્વીકાર્યું કે તેમને નુકસાન થયું છે. હવે ચિંતા કરશો નહીં. ભાજપ નક્સલવાદને ખતમ કરશે. આ સાથે જ અમિત શાહે ભાજપના ઉમેદવાર માટે વોટની અપીલ કરી હતી.
કોંગ્રેસ પર વરસ્યા શાહ
અમિત શાહે વધુમાં જણાવ્યું કે છત્તીસગઢ આદિવાસીઓની બેઠક છે. પીએમ મોદીએ કહ્યું હતું કે અમારી સરકાર ગરીબોની હશે. અમે ગરીબોને ઘર, નળનું પાણી, ગેસ સિલિન્ડર, 5 લાખ રૂપિયા સુધીનો વીમો, 5 કિલો ચોખા, શૌચાલય આપ્યા છે. કોરોનાની રસી મફતમાં અપાય છે. ત્યારે કોંગ્રેસ તેને મોદી વેક્સિન કહેતી હતી. દેશના ગરીબની ચિંતા કરવી અને છત્તીસગઢને નંબર વન બનાવવુ એ ભાજપનું લક્ષ્ય છે. તેમણે કલમ 370 હટાવવા અંગે પણ કહ્યું કે કોંગ્રેસે 70 વર્ષ સુધી આ કલમને સાચવીને બેઠી. જ્યારે પીએમ મોદીએ 2019માં કલમ 370 નાબૂદ કરી દીધી.
શું કહ્યું એડિટેડ વીડિયો અંગે ?
અમિત શાહે સંબોધન કરતા કહ્યુ કે કોંગ્રેસ કહે છે કે મોદીજીને બહુમત મળશે તો અનામત હટાવી દેશે તેવા જુઠ્ઠાણા ફેલાવે છે. મારો ફેક વીડિયો બનાવે છે. પરંતુ હું તમને કહેવામાંગુ છું કે એસસી, એસટી અને ઓબીસીને મળતી અનામત ના અમે હટાવીશું કે ના કોંગ્રેસને હટાવવા દઇશું.









