• વિક્રમ અને પ્રજ્ઞાનનો પુનઃ સંપર્ક સાધવાનો થશે પ્રયાસ
  • ગઇકાલે કરેલા પ્રયાસમાં ઇસરોને સફળતા નહોતી મળી
  • ગત 20 દિવસમાં બંને ઉપકરણે ભારે ઠંડીનો કર્યો અનુભવ

ચંદ્રની ધરતી પર સફળતાપૂર્વક લેન્ડ થયેલા ચંદ્રયાન-3ના રોવર પ્રજ્ઞાન અને વિક્રમ લેન્ડરને જગાડવાના ઈસરોના પ્રયાસ શુક્રવારે સફળ રહ્યા ન હતા. જેથી આજે શનિવારે સવારે ફરી પ્રયાસ કરવામાં આવશે. સ્પેસ એપ્લીકેશન સેન્ટરના ડાયરેક્ટર નિલેશ દેસાઈએ કહ્યું કે અગાઉ અમે પ્લાન કર્યો હતો કે પ્રજ્ઞાન રોવર અને વિક્રમ લેન્ડરને 22મી સપ્ટેમ્બરે સાંજે પુનઃ સક્રિય કરીએ પણ કેટલાક કારણોસર એ શક્ય નહોતું બન્યું. તા.23ના રોજ સવારે પ્રયાસ કરીશું. આ સાથે તેઓએ એમ પણ કહ્યું કે ગત 20 દિવસમાં બંને ઉપકરણે ભારે ઠંડીનો અનુભવ કર્યો હતો. તો સાથે બંને ઉપકરણો 4 સપ્ટેમ્બરથી સ્લીપ મોડમાં કામ કરી રહ્યા હતા. ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર રાત્રિકાળ તે સમયથી શરૂ થયો હતો અને હવે તે પૂરો થયો છે તો બંને ઉપકરણો ફરી સંપર્કમાં લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

20 સપ્ટેમ્બરની સાંજથી દક્ષિણ ધ્રુવ પર થયો સૂર્યોદય

[[$googlead]]

ઉલ્લેખનીય છે કે 4 સપ્ટેમ્બરથી શરૂ થયેલો રાત્રિનો સમય 20 સપ્ટેમ્બરની સાંજે પૂરો થયો છે અને અહીં સૂર્યોદય થઈ ચૂક્યો છે. પરંતુ ચંદ્રયાન-3ના બંને ઉપકરણો વિક્રમ અને પ્રજ્ઞાન સ્લીપ મોડમાંથી હજુ પણ બહાર લાવી શકાયા નથી. તેમની તરફથી કોઈ ખાસ સિગ્નલ મળી રહ્યા નથી. જો આ બંને ઉપકરણો આજે એક્ટિવ થશે તો ઈસરોને વધુ એક સફળતા મળશે.

[[$alsoread]]

2 સપ્ટેમ્બરે રોવર અને 4 સપ્ટેમ્બરે લેન્ડર સ્લિપ મોડમાં મુકાયું હતું

ઉલ્લેખનીય છે કે ઈસરોએ ચંદ્રયાન-3ને 23 ઓગસ્ટના રોજ સફળતાપૂર્વક લેન્ડ કરાવ્યું હતું. ત્યારબાદ 2 સપ્ટેમ્બરે રોવર અને 4 સપ્ટેમ્બરે લેન્ડર સ્લિપ મોડમાં મુકાયું હતું. ચંદ્ર પર સૂર્યોદય થઈ ગયો છે પરંતુ રોવર અને લેન્ડરને જરૂરી ઊર્જા હજુ મળતી નથી. ઈસરો દ્વારા આજે રોવર અને લેન્ડરને પુનઃ સક્રિય કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ કોઈ સંકેત મળ્યો નહોતો. ઈસરોના આયોજન મુજબ પ્રજ્ઞાન રોવરે 300 થી 350 મીટર ચાલવાનું હતું પરંતુ કેટલાક કારણોસર આ શક્ય બન્યું નહોતું અને રોવર માત્ર 105 મીટર જ ચાલ્યું હતું. હવે જો આજે ઈસરો રોવર અને લેન્ડરને પુનઃ સક્રિય કરી શકશે તો આ પણ એક નવી સિદ્વિ જ ગણાશે. કેમ કે આટલી કાતિલ ઠંડીમાં રોવર અને લેન્ડરની સરકીટને નુકસાન થયું હોવાની પણ શક્યતા છે.

  • Follow us on: