- ગુરુવારે રાતે સર્જાયેલી હિંસા પછી સંચારબંધીમાં છૂટછાટ
- અથડામણોમાં સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા
- નીકળેલી રેલીને આગળ વધતી અટકાવવામાં આવતા રેલી હિંસક બની હતી
મણિપુરની ઇમ્ફાલ ખીણમાં ગુરુવારે રાતે હિંસક અથડામણો થયા પછી શુક્રવારે સવારે સ્થિતી શાંત છતાં તંગદિલીથી ભરી રહી હતી. ગુરુવારે રાતે મુખ્યપ્રધાન એન.બિરેનના ખાલી પડેલા પૈતૃક મકાનને બાળી દેવા પ્રયાસ થયો હતો. સત્તાવાળાએ ઇમ્ફાલ પૂર્વ અને પશ્ચિમ જિલ્લામાં લોકો આવશ્યક ચીજવસ્તુ કે દવાઓ વગેરે ખરીદી શકે તે માટે શુક્રવારે સવારે પાંચ વાગ્યાથી રાતે 11 વાગ્યા સુધી સંચારબંધીમાં છૂટછાટ આપી હતી. જોકે આ દરમિયાન ટોળે વળવા કે વિરોધ દેખાવો કરવાની છૂટછાટ નહોતી. ઇમ્ફાલ શહેરમાં સુરક્ષા દળો જવાબ આપી રહ્યા હતા અને સંચારબંધી હતી તેમ છતાં ગુરુવારે લોકોએ મુખ્યપ્રધાનના ખાલી પડેલા પૈતૃક મકાન પર હુમલો કર્યો હતો. સુરક્ષા દળોએ અશ્રુવાયુના સંખ્યાબંધ ટેટા ફોડીને હુમલો કરવાના પ્રયાસને નિષ્ફળ બનાવ્યા હતા. સુરક્ષા દળો હુમલાખોરોને મુખ્યપ્રધાનના મકાનથી 100 થી 150 મીટર છેટે રાખવામાં સફળતા મળી હતી. ગુરુવારે રાતે સુરક્ષા દળો અને દેખાવકારો વચ્ચે સર્જાયેલી અથડામણોમાં સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા. પૂર્વ ઇમ્ફાલમાં બે વિદ્યાર્થીઓના થયેલા મોત સંબંધે ન્યાયની માગણી સાથે નીકળેલી રેલીને આગળ વધતી અટકાવવામાં આવતા રેલી હિંસક બની હતી. ઘટનામાં સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા. તેમને સારવાર માટે ખસેડાયા હતા.










