- લુધિયાણામાં 3 વર્ષની માસૂમ બાળકીના મોતનો વિડીયો વાયરલ
- દરવાજા સાથે રમી રહેલી બાળકી પર પડ્યો ભારેખમ દરવાજો
- ઇજાગ્રસ્ત બાળકી હોસ્પિટલ પહોંચે તે પહેલા જ મોતને ભેટી
પંજાબના લુધિયાણાથી એક રૂંવાડા ઊભા કરી દેતો વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં જોઈ શકાય છે ત્રણ વર્ષની એક બાળકી પર કાચના એક ભારેખમ દરવાજો પડે છે. બાળકી કાચના દરવાજા નીચે દબાઈ જાય છે અને રાડારાડ કરી મૂકે છે. હાજર લોકો અને બાળકીના માતાપિતા બાળકીને દરવાજાની નીચેથી બાળકીને બહાર કાઢે છે અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જાય છે. પરંતુ, હોસ્પિટલમાં બાળકીને મૃત જાહેર કરવામાં આવે છે. સમગ્ર ઘટનાને કારણે બાળકીના મોટા-પિતા ઊંડા આઘાતમાં સરી પડ્યા છે. પરિવારમાં આક્રંદ છવાઈ ગયો. જોકે, હાલ તો આ સમગ્ર મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ ન કરાઇ હોવાની વાત સામે આવી છે.
વાસ્તવમાં, લુધિયાણાના ઘુમાર મંડી માર્કેટમાં ખાતે આવેલ એક શોરૂમમાં 24 નવેમ્બરે રાત્રે લગભગ 8.15 વાગ્યે આ દુર્ઘટના બની હતી. આ સમગ્ર ઘટના શોરૂમમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. CCTV ફૂટેજમાં જોઈ શકાય છે કે ત્રણ વર્ષની બાળકી શોરૂમની અંદર રમી રહી છે. તે શોરૂમમાં પ્રવેશવા માટે લગાવેલા રિવોલ્વિંગ ગ્લાસ ગેટ સાથે રમી રહી છે.
બાળકી પર ધડામ દઈને પડે છે કાંચનો ભારેભરખમ દરવાજો
બાળકી સહજ રીતે દરવાજા સાથે રમી રહી હતી અને કાંચના દરવાજાને બાળકી પકડી રહ્યો હતો ત્યાં અચાનક જ કાંચના દરવાજાનો એક ભાગ છોકરી પર પડે છે. વજનદાર દરવાજો બાળકી પર પડે છે અને બાળકી તેની નીચે દબાઈ જાય છે. દવાજો પડતાની સાથે જ બાળકી ચીસાચીસ કરી મૂકે છે જેનો અવાજ સાંભળીને શોરૂમની બહાર ઉભેલી એક મહિલા અને શોરૂમની અંદર હાજર બાળકીના પરિવારના સભ્યો અને અન્ય લોકો તેની તરફ દોડી આવે છે. શો-રૂમના લોકો કાંચનો દરવાજો ઉઠાવે છે અને બાળકીના પરિવારના લોકો તેને બાહર કાઢીને તુરંત હોસ્પિટલ લઈ જવા માટે દોટ મૂકે છે.
જુઓ વિડીયો:
સામાન્ય રીતે એવું જોવા મળે છે કે ખરીદી કરવા માટે બાળકો સાથે જતાં માતાપિતા બાળકો કરતાં પોતાની ખરીદીમાં વધુ ધ્યાન આપવા માટે બાળકોને રમતા મૂકી ડેટા હોય છે અને બાળકો જે મળે તેની સાથે રમવા લાગતાં હોય છે. બાળકો માટે આ પ્રકારના રીવોલ્વીંગ ડોર્સ ખાસ આકર્ષક લાગતાં હોવાથી બાળકો તેની સાથે રમત કરતાં હોય તેવું આપણે અનેકવાર જોયું હશે. જોકે, માતાપિતાની આ પ્રકારની બેદરકારી માસૂમના જીવ માટે કેટલું જોખમ હોય છે તે આ વિડીયો પરથી જોઈ શકાય છે. તો સાથે સાથે શોરૂમ માલિકો-સંચાલકો માટે પણ આ એક આંખ ઉઘડતો કિસ્સો છે જેમાં તેમણે પોતાની દુકાનો અને શોરૂમ ખાતે આ પ્રકારના દરવાજા લગાવવાની સાથે સાથે તેનું સતત મેન્ટેનન્સ કરાવતા રહેવું જોઈએ. આ લુધિયાણાની આ ઘટનામાં હાલ તો કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. પરંતુ ચોક્કસ આ એક બેદરકારીનો મામલો છે, જેની આપણે નોંધ લેવી જ રહી.