- લીલાદાસ સામે પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે
- સ્વામી વિવેકાનંદના માછલી સેવન મુદ્દે ટિપ્પણી કરતા હોબાળો થયો હતો,
- વિવાદ બાદ ઇસ્કોન દ્વારા અમોઘ લીલાદાસ સામે એક મહિનાનો પ્રતિબંધ લાદી દેવાયો
ઇન્ટરનેશનલ સોસાયટી ફોર કૃષ્ણા કોન્શિયસનેસ (ISKCON)એ મંગળવારે પોતાના પૂજારી અમોઘ લીલાદાસ સામે પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે. ISKCONએ કહ્યું હતું કે તેણે સ્વામી વિવેકાનંદ અને રામકૃષ્ણ પરમહંસ વિશે કરાયેલી ટિપ્પણીને કારણે જે વિવાદ સર્જાયો હતો તેને જોતા લીલાદાસ પર પ્રતિબંધ લાદી દીધો છે. ઉલ્લેખનીય છે કે અમોઘ લીલાદાસે સ્વામી વિવેકાનંદ દ્વારા માછલીના સેવનની નિંદા કરી હતી અને કહ્યું હતું કે એક સદાચારી વ્યક્તિ ક્યારેય કોઇ પ્રાણીને નુકસાન ન પહોંચાડી શકે. તેમણે સાથે જ રામકૃષ્ણ પરમહંસની શિક્ષા જતો મત તતો પથ (જેટલા મત એટલા જ રસ્તા) વિશે પણ વ્યંગાત્મક ટિપ્પણી કરતા કહ્યું હતું કે દરેક રસ્તો એક જ ગંતવ્ય સુધી નથી જતો.
ટીએમસીના નેતા કૃણાલ ઘોષે કાર્યવાહીની માગ કરી હતી
અમોઘ લીલાદાસની ટિપ્પણીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જે બાદ ભારે વિવાદ ઉદ્ભવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના રાજ્ય મહાસચિવ કુણાલ ઘોષે કહ્યું હતું કે અમે ISKCONનું સન્માન કરીએ છીએ, પરંતુ તેણે હવે દાસને અટકાવવા જોઇએ. રામકૃષ્ણ પરમહંસ અને સ્વામી વિવેકાનંદનું અપમાન સહન ન કરી શકાય. તેમણે સાધુ વિરુદ્ધ તાત્કાલિક કાર્યવાહી કરવાની પણ માગ કરી હતી. ત્યારબાદ ISKCONએ પણ એક નિવેદન પ્રસિદ્ધ કર્યુ હતું. નિવેદનમાં કહેવાયુ હતું કે દાસના વિચાર તેમના મૂલ્યો અને શિક્ષાઓનું અમે પ્રતિનિધિત્વ નથી કરતા. અમે ધાર્મિક માન્યતાઓ અને પ્રથાઓ પ્રત્યે કોઇપણ પ્રકારના અનાદર અને અસહિષ્ણુતાની ટીકા કરીએ છીએ અપમાનજનક ટિપ્પણીઓ દાસમાં આધ્યાત્મિક પથ અને વ્યક્તિગત વિકલ્પોના વૈવિધ્ય મુદ્દે જાગૃતિની કમી દર્શાવે છે.
ગોવર્ધન પર્વત પર જઇને પ્રાયિૃત્ત કરશે
ઇસ્કોને નિવેદનમાં કહ્યું હતું કે અમોઘ લીલાદાસની ભૂલને ધ્યાનમાં રાખતા ઇસ્કોને તેમની પર એક મહિનાનો પ્રતિબંધ લાદવાનો નિર્ણય કર્યો છે. અમે તેમને અમારો નિર્ણય જણાવી દીધો છે. અમોઘ લીલાદાસે પણ પોતાની ટિપ્પણીઓ બદલ માફી માગી છે. તેમને સમજાઇ રહ્યું છે કે તેમણે કેટલી મોટી ભૂલ કરી છે. તેમણે એક મહિના સુધી ગોવર્ધન પર્વત પર જઇને પ્રાયિૃત્ત કરવાનો નિર્ણય લીધો છે. તેઓ તાત્કાલિક અસરથી પોતાને સંપૂર્ણપણે અલગ કરી લેશે.