• આંધ્ર પોલીસે ડેમમાંથી 5,000 ક્યૂસેક્સ પાણી છોડી દેતાં હોબાળો

  • આંધના 700 પોલીસોએ બંધ પર કબજો જમાવી કેનાલના દરવાજા ખોલી નાંખ્યા હતા
  • આંધ્રપ્રદેશ અને તેલંગાણા વચ્ચે થયેલા કરાર મુજબ આ પાણી લેવામાં આવ્યું

તેલંગાણામાં ચૂંટણી અને મતદાનની પ્રક્રિયા ચાલુ હતી ત્યારે જ આંધ્રપ્રદેશ દ્વારા કૃષ્ણા નદી પર બનેલા નાગાર્જુન સાગર બંધ પર કબજો જમાવીને પાણી છોડવાનું શરૂ કરી દેતા બંને રાજ્યો વચ્ચે તંગદિલી સર્જાઈ છે. તેલંગાણાનાં અધિકારીઓ ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હતા ત્યારે ગુરુવારે મધરાતે 2 કલાકે આંધ્રપ્રદેશના 700 જેટલા પોલીસોએ બંધ પર કબજો જમાવી લીધો હતો. તેમણે નાકાબંધી કરીને જમણી તરફની કેનાલના દરવાજો ખોલી નાંખ્યા હતા અને 5,000 ક્યૂસેક્સ પાણીનો જથ્થો આંધ્ર માટે છોડી દીધો હતો. તેલંગાણા સરકારે તેનો ઉગ્ર વિરોધ કર્યો છે. આંધ્રના સિંચાઈ પ્રધાન અંબાતી રામબાબુએ ગુરુવારે X પર ટ્વિટ કર્યું હતું કે અમે પીવાનાં પાણી માટે કૃષ્ણા નદી પરનાં નાગાર્જુન સાગર બંધની રાઈટ કેનાલમાંથી પાણી છોડયું હતું. અમે અમારા હિસ્સામાં જેટલો પાણીનો જથ્થો આવતો હતો તેટલો જ લીધો છે. આંધ્રપ્રદેશ અને તેલંગાણા વચ્ચે થયેલા કરાર મુજબ આ પાણી લેવામાં આવ્યું છે. અમે કોઈ પણ પ્રકારની સમજૂતીનો ભંગ કર્યો નથી. બંને રાજ્યો વચ્ચે થયેલી સમજૂતી મુજબ કૃષ્ણા નદીનું 66 ટકા પાણી આંધ્રપ્રદેશનું છે અને 34 ટકા પાણી તેલંગાણાનું છે.

છોડેલું પાણી પાછું આપવા કેન્દ્રની અપીલ

તેલંગાણા અને આંધ્ર વચ્ચે તંગદિલી વધતા કેન્દ્ર સરકારે હસ્તક્ષેપ કર્યો હતો અને બંને રાજ્યોને 28 નવેમ્બર સુધીમાં નાગાર્જુન સાગરનું છોડેલું પાણી પાછું આપવા અપીલ કરી છે. કેન્દ્રનાં ગૃહ સચિવ અજય ભલ્લાએ વીડિયો કોન્ફરન્સની બંને રાજ્યોનાં અધિકારીઓ સાથે વાત કરી હતી. ભવિષ્યમાં કોઈ તંગદિલી ન સર્જાય તે માટે બંને રાજ્યોએ બંધ પર CRPF ગોઠવવા સંમતિ દર્શાવી છે. બંને પક્ષોને સમજૂતી મુજબ પાણી આપવામાં આવે છે કે કેમ તેની દેખરેખ હવે CRPF કરશે.


  • Follow us on: