- દિલ્હી પોલીસ સ્પેશીયલ સેલ દ્વારા કરાઈ ધરપકડ
- 19 વર્ષની ઉંમરમાં જ કર્યું પહેલું ખૂન સિદ્ધુ મુસેવાલાનું
- 4 મહિના પહેલા જ જોડાયો હતો બિશ્નોઈ ગેંગમાં
સિદ્ધુ મુસેવાલા મર્ડર કેસનું કોકડું જેમ-જેમ ઉકેલાઈ રહ્યું છે તેમ-તેમ ચોંકાવનારા ખુલાસો થઇ રહ્યા છે હવે મુસેવાલાને સૌથી નજીકથી ગોળી મારનાર શૂટર અંકિત સિરસાની ધરપકડ કરી લેવામાં આવી છે. ચોંકાવનારી વાત તો એ સામે આવી છે કે અંકિતનું ઉંમર માત્ર 19 વર્ષની છે અને મુસેવાલા પહેલા તેણે કોઈની હત્યા કરી નથી. એટલે કે મુસેવાલાની હત્યા જ તેનું પહેલું ખૂન છે.

મળતી માહિતી મુજબ, અંકિત સિરસા ચાર મહિના પહેલા જ લોરેન્સ વિશ્નોઈની ગેંગમાં જોડાયો હતો. તે માત્ર 9મુ ધોરણ પાસ છે અને ત્યારબાદ તે અપરાધ જગતમાં કુદી પડ્યો હતો.
જણાવી દઈએ કે અંકિત સિરસાને દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા તેના એક સાથે સાથે 3 જુલાઈના રોજ રવિવારે રાત્રે પકડી પાડવામાં આવ્યો હતો. બંનેને દિલ્હીના કાશ્મીરી ગેટ પાસેથી ઝડપી પાડવામાં આવ્યા હતા.
જાણવા મળી રહ્યું છે કે અંકિત સિરસા એ જ શૂટર છે જેણે સિદ્ધુ મુસેવાલાને સૌથી નજીકથી ગોળી મારી હતી. તે અન્ય ગેંગસ્ટર પ્રિયવ્રત ફૌજી સાથે તેની ગાડીમાં હતો. પ્રિયવ્રત અને અંકિત એક સાથે ભાગ્યા હતા. પ્રિયવ્રતને પહેલા જ ઝડપી પાડવામાં આવ્યો છે. આ પહેલા સુધી અંકિત અને પ્રિયવ્રત ગુજરાતમાં છુપાયેલા હતા. બંને 7 જૂન સુધી કચ્છમાં રહ્યા હતા. પ્રિયવ્રત આ દરમિયાન માસ્ક વગર ફરતો હતો ત્યારે તેને પકડી પાડવામાં આવ્યો હતો.

અંકિત સાથે જે બીજા શૂટરની ધરપકડ કરવામાં આવી છે તેનું નામ સચિન ચૌધરી છે, તેણે શૂટરોની મદદ કરી હતી. તે હરિયાણાના ભિવાનીનો રહેવા વાળો છે. તો અંકિત હરિયાણાના સિરસાનો રહેવાસી છે.
આ બંને પાસેથી એક 9MMની પિસ્તોલ, તેના 10 જીવતા કારતૂસ, એક 30MMની પિસ્તોલ, તેના 9 જીવતા કારતૂસ પણ મળ્યા છે. તેમની પાસેથી પંજાબ પોલીસના ત્રણ યુનિફોર્મ પણ મળ્યા છે. પોલીસનો યુનિફોર્મ એટલા માટે લીધો હતો કે જો જરૂર પડે તો ભાગવામાં મદદ મળી શકે. આ ઉપરાંત બંને પાસેથી મોબાઈલ પણ મળી આવ્યા છે.