તાજેતરમાં છતીસગઢમાં સેના દ્વારા કરાયેલા એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા માઓવાદી નેતા અને નક્સલવાદી બસવરાજુના વિકલ્પની શોધ સીપીઆઈ કરી રહી છે. 70 વર્ષના બસવરાજુ પર 1.5 કરોડ રૂપિયાનું ઇનામ હતું અને તે હાલમાં નક્સલવાદીઓનો ટોચનો કમાન્ડર હતો. જોકે તેના સ્થાને અન્ય એક મોટા નેતા સોનુના નામની શક્યતાઓ વિચારાઈ છે પરંતુ તે પણ સેનાના શરણે આવી જાય તેમ મનાય છે. જો આમ થયું તો સેનાની મોટી જીત થશે.
બસવરાજુ માર્યો જતાં સીપીઆઈ માઓવાદી તેમના સ્થાને શોધ કરી રહ્યા હતા, પરંતુ હવે જે એક મોટું નામ એમ વેણુગોપાલ રાવ ઉર્ફે સોનુ ચર્ચામાં છે. જોકે તે પણ આત્મસમર્પણ કરે તેવી અપેક્ષા છે. સોનુ કમાન્ડર બનશે તેમ માનવામાં આવી રહ્યું હતું. પણ સેનાની કામગીરીથી તે શક્ય બને એમ લાગતું નથી.
સોનુની પત્ની તરક્કાએ પણ આત્મસમર્પણ કર્યું હતું
69 વર્ષીય સોનુ હવે પહેલા જેટલો સક્રિય નથી. તેની પત્ની તરક્કાએ મહારાષ્ટ્રમાં આત્મસમર્પણ કર્યું હતું. હવે સોનું પણ તે માર્ગે જાય એમ મને છે. તે પુનર્વસન કેમ્પમાં જાય તેવી સંભાવના છે. સોનુ બીકોમ ગ્રેજુએટ છે અને અત્યાર સુધી ગઢચિરોલીથી આંધ્ર પ્રદેશમાં સક્રિય હતો. તેની પાસે નક્સલીઓની મહત્વની કહેવાય તેવી સી 60 કમાન્ડ હતી.
દેશમાં માઓવાદ ખતમ કરવાની દિશાનું મોટું પગલું
સોનુનો ભાઈ એમ કે રાવ ઇનામી નક્સલી હતો અને 2011માં કોલકાતામાં મૂઠભેડમાં માર્યો ગયો હતો. સોનુને અબૂઝમાડના જંગલોમાં ઘેરી લેવાયો છે, તેનું બચવું મુશ્કેલ છે. તેથી આત્મસમર્પણનો પ્રસ્તાવ રાખ્યો છે. જો સોનુએ આત્મસમર્પણ કર્યું તો દેશમાં માઓવાદ ખતમ કરવાની દિશાનું મોટું પગલું સાબિત થશે. એક બાજુ બસવરાજુનું એન્કાઉન્ટર અને બીજી બાજુ સોનુનું આત્મસમર્પણ સુરક્ષા દળો માટે મોટો વિજય માની શકાય એમ છે.