• કોઝિકોડમાં નિપાહનો એકપણ કેસ નોંધાયો નહીં

  • હાઇ કેટેગરીમાંથી કલેક્ટ કરવામાં આવેલા વધુ 11 સેમ્પલ્સ નેગેટિવ
  • શુક્રવાર સુધીમાં કેરળમાં નિપાહ વાઇરસના કુલ છ કેસ નોંધાયા હતાં

કેરળમાં શનિવારે હાશકારો અનુભવાયો હતો કેમ કે નિપાહ વાઇરસનો એક પણ કેસ નોંધાયો ન હતો. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે જાહેરાત કરી હતી કે હાઇ રિસ્ક ધરાવતાં જૂથમાંથી કલેક્ટ કરવામાં આવેલા 11 સેમ્પલ્સ નિપાહ વાઇરસ નેગેટિવ આવ્યા હતાં. નોંધનીય છે કે શુક્રવાર સુધીમાં કેરળમાં નિપાહ વાઇરસના કુલ છ કેસ નોંધાયા હતાં જેમાં બે લોકોનાં મોત થયાં હતાં. હાલમાં ચાર લોકો સારવાર હેઠળ છે. મંત્રીએ જણાવ્યું હતું કે જે હોસ્પિટલ્સમાં નિપાહ વાઇરસ ધરાવતાં પેશન્ટ્સને દાખલ કરવામાં આવ્યા છે ત્યાં મેડિકલ બોર્ડની રચના કરી દેવામાં આવી છે. બોર્ડ્ઝના રિવ્યૂ અનુસાર તમામ પેશન્ટ્સની સ્થિતિ સ્થિર છે. ડોક્ટરોએ રિપોર્ટ આપ્યો હતો કે જે બાળક હાલમાં વેન્ટિલેટર પર છે તેની હાલત સુધરી રહી છે, તેમ મંત્રીએ જણાવ્યું હતું. દરમિયાન શુક્રવારે જે વ્યક્તિ પોઝિટિવ આવ્યો હતો તેના સંપર્કમાં આવેલા લોકોને ટ્રેસ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ બધાની વચ્ચે કેન્દ્ર સરકાર પણ આ વાઇરસના પ્રસારને રોકવાનો પ્રયાસ કરી રહી છે. આઈસીએમઆરએ શુક્રવારે જાહેરાત કરી હતી કે તેઓ નિપાહ સંક્રમિત પેશન્ટ્સના ઉપચાર માટે ઓસ્ટ્રેલિયાથી મોનોક્લોનલ એન્ટિબોડીના વધુ 20 ડોઝ ખરીદશે.

કોઝિકોડમાં 24 સપ્ટેમ્બર સુધી શાળા-કોલેજ બંધ

દરમિયાન કેરળમાં ફેલાયેલાં નિપાહ વાઇરસે તંત્રમાં ચિંતા ઊભી કરી છે. કોઝિકોડમાં ઘણા કેસીસ સામે આવ્યા હોવાના કારણે તંત્ર દ્વારા આગામી 24 સપ્ટેમ્બર એટલે કે આગામી રવિવાર સુધી તમામ શાળા-કોલેજિસ અને કોચિંગ ક્લાસિસને બંધ રાખવાનો આદેશ કર્યો છે. તંત્રે જો કે ઓનલાઇન શિક્ષણ ચાલુ રખાશે તેમ ઉમેર્યું હતું.


  • Follow us on: