• ડિફેન્સ માટે મેગા ખરીદી પ્રોજેક્ટ્સ, અપગ્રેડ કાર્યક્રમ

  • સરકારની તિજોરી પર પડશે રૂ. 1.3 લાખ કરોડનો બોજ
  • સુખોઇ-30 ફાઇટર જેટને કરાશે અપગ્રેડ, મળી મંજૂરી

સશસ્ત્ર દળોની તાકાતમાં મોટો વધારો થઈ રહ્યો છે. એરફોર્સની લડાયક ક્ષમતાને વેગ આપવા માટે 97 તેજસ હળવા ફાઇટર જેટ અને લગભગ 156 પ્રચંડ હેલિકોપ્ટરના વધારાના કાફલાની ખરીદી માટે પ્રારંભિક મંજૂરી મળી ગઈ છે. ભારતીય એરફોર્સ લગભગ 65,000 કરોડ રૂપિયાના ખર્ચે આ વિમાનોની ખરીદી કરશે.

 સૂત્રોના જણાવ્યા અનુસાર સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતા હેઠળ ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલએ પોતાના સુખોઇ-30 ફાઇટર જેટના કાફલાને અપગ્રેડ કરવાની વાયુ સેનાની દરખાસ્તને પણ મંજૂરી આપી દીધી હતી. અહેવાલો અનુસાર મેગા ખરીદી પ્રોજેક્ટ્સ અને સુખોઇ-30ને અપગ્રેડ કરવાના કાર્યક્રમના કારણે સરકારની તિજોરી પર રૂ. 1.3 લાખ કરોડનો બોજ પડશે. ઉલ્લેખનીય છે કે ભારતીય એરફોર્સ તેજસ એમકે-1 જેટના બે સ્ક્વોડ્રનને પહેલેથી જ સંચાલિત કરી રહ્યું છે. તેમાં પ્રારંભિક તથા આખરી ઓપરેશનલ ક્લિયરન્સ વેરિઅન્ટના 20-20 સ્ક્વોડ્રનનો સમાવેશ થાય છે. આ અગાઉ સંરક્ષણ મંત્રાલયે 83 એલસીએ એમકે 1એ વેરિઅન્ટ માટે છ અબજ અમેરિકન ડોલરનો ઓર્ડર ફેબ્રુઆરી 2021માં એચએએલને આપ્યો હતો, જેની ડિલિવરી 2024 સુધીમાં થઈ જવાની અપેક્ષા રાખવામાં આવે છે.

એરફોર્સના કાફલામાં દેશી ફાઇટર પ્લેન પણ જોડાશે

ભારતીય એરફોર્સ આત્મનિર્ભર ભારત પર ભાર આપતાં પોતાના દેશમાં બનાવવામાં આવેલા વિમાનો તરફ પણ ધ્યાન આપી રહ્યું છે. આ અગાઉ એરફોર્સે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડે બનાવેલાં પહેલાં હળવા ફાઇટર પ્લેનને પોતાના કાફલામાં સામેલ કર્યા હતાં. બે બેઠક ધરાવતું તેજસ દરેક હવામાન માટે કારગત છે. એરફોર્સે 18 તેજસ પ્લેનનો ઓર્ડર આપ્યો હતો તથા 2023-24 સુધીમાં આઠ તેજસ પ્લેન એરફોર્સને સોંપાશે.

ડીએસીની બેઠકમાં કઇ-કઇ મંજૂરી મળી ગઇ

ગુરુવારે એટલે કે 30 નવેમ્બરે સંરક્ષણ પ્રધાનની આગેવાની હેઠળ ડીએસીની બેઠક મળી હતી તેમાં 97 તેજસ MK1A ફાઇટર જેટ, 156 પ્રચંડ ફાઇટર હેલિકોપ્ટર, ત્રીજા એરક્રાફ્ટ કેરિયર, 84 સુખોઇ-30નું અપગ્રેડેશન, 5.56x4 ર્કાર્બાઇન, 200 માઉંટેગ ગન સિસ્ટમ, 400 ટોડ આર્ટિલરી ગન સિસ્ટમ અને મીડિયમ રેન્જ સરફેસ ટુ એર મિસાઇલને ખરીદવાની મંજૂરી મળી ગઇ છે.

ભારતનું લક્ષ્ય શું છે?

અહેવાલો અનુસાર ભારતની યોજના રૂ. બે લાખ કરોડના ખર્ચે વર્ષ 2030 સુધીમાં 160 અને વર્ષ 2035 સુધીમાં 175 યુદ્ધજહાજ તૈયાર કરવાનું છે. ઈન્ડિયન નેવીના 60થી વધારે જહાજ તૈયાર થઇ રહ્યા છે અને તેની નિર્માણની પ્રક્રિયા અલગ અલગ તબક્કામાં છે. નોંધનીય છે કે ચીનની વધતી જતી નેવી ક્ષમતાને ધ્યાનમાં રાખીને ભારતે પણ સમુદ્રમાં વોરશિપ પેટ્રોલિંગ અનેકગણું વધારી દીધું છે.


  • Follow us on: