- મહિલાઓના હક્કોની અવગણના થતાં સુપ્રીમ કોર્ટે કડક શબ્દોમાં નારાજગી વ્યક્ત કરી
- મહિલા અધિકારીઓના અધિકારોને ખતમ કરવાના વલણની ટીકા
- કોર્ટે અધિકારીઓને તેમની બઢતી માટે બોર્ડને ફરીથી બોલાવવાનો આદેશ કર્યો
સુપ્રીમ કોર્ટે મહિલા અધિકારીઓને પ્રમોશન તથા કર્નલ રેન્કની પેનલમાં સામેલ કરવાના પોતાના આદેશની અવગણનાને લઈને ભારતીય સૈન્ય સામે કડક નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે મહિલા અધિકારીઓને કર્નલના રૂપમાં સૂચિબદ્ધ કરવાનો ઇનકાર કરવાના સેનાના વલણને મનસ્વી ગણાવ્યું હતું. ચીફ જસ્ટિસ ડી.વાઈ. ચંદ્રચૂડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બનેલી બેન્ચે મહિલા અધિકારીઓના અધિકારોને ખતમ કરવાના વલણની ટીકા કરી હતી. આ સાથે કોર્ટે અધિકારીઓને તેમની બઢતી માટે વિશેષ પસંદગી બોર્ડને ફરીથી બોલાવવાનો આદેશ કર્યો છે. કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે વિશેષ પસંદગી બોર્ડને આ ચુકાદાના 15 દિવસની અંદર ફરીથી ગઠિત કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવે. કોર્ટમાં સુનાવણી દરમિયાન એટર્ની જનરલે જણાવ્યું હતું કે જૂન 2021ની કટ ઓફ પર વિચાર કરવો જોઈએ. આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આ પ્રકારનો દૃષ્ટિકોણ એ મહિલા અધિકારીઓને ન્યાય આપવાની આવશ્યકતા પર વિપરીત અસર નાખે છે.










