• અનંતનાગમાં પાંચમા દિવસે પણ એન્કાઉન્ટર યથાવત્

  • 15 કિલોમીટર દૂરથી .ઓપરેટ કરી શકાય છે
  • આતંકીઓને લોકેટ કરવા પણ ડ્રોનનો ઉપયોગ

કાશ્મીરના અનંતનાગમાં રવિવારે પાંચમા દિવસે પણ આતંકવાદીઓ સાથેનું એન્કાઉન્ટર યથાવત રહ્યું હતું. સેનાને ગડૂલ કોકરનાગના જંગલમાં બે અન્ય આતંકવાદીઓ સંતાયેલા હોવાની આશંકા છે. શનિવારે જ સેનાએ એક આતંકવાદીને ઠાર માર્યો હતો. અંધકાર હોવાને કારણે રાત્રે ઓપરેશન અટકાવી દેવાયું હતું. સેનાએ આતંકવાદીઓના ખાતમા માટે હવે પહેલીવાર પોતાના સૌથી એડવાન્સ્ડ ડ્રોન હેરોન માર્ક-2ને એટેક માટે ઉતાર્યુ છે. ડ્રોને આતંકવાદીને શોધીને તેની પર ગ્રેનેડ ફેંક્યો હતો અને તેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. એન્કાઉન્ટર દરમિયાન ભારે વરસાદ વચ્ચે પણ આ ડ્રોન કામ કરે છે. તે સિવાય ક્વાડ કોપ્ટર ડ્રોને પણ આતંકવાદીઓને કાબૂમાં લેવામાં મદદ કરી હતી. આ ડ્રોન પાંચ તરફથી ફાયરિંગ અને ગ્રેનેડ મારો કરી શકે છે. ઉપરાંત આ ડ્રોનને 15 કિલોમીટર દૂર બેઠા-બેઠા પણ ઓપરેટ કરી શકાય છે. આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવા માટે સુરક્ષાદળોએ આસપાસના ગામો સુધી પોતાના અભિયાનનો દાયરો વધારી દીધો છે અને જંગલ વિસ્તારમાં મોર્ટારમારો કર્યો હતો. અધિકારીઓના અનુસાર સુરક્ષાદળો ગીચ જંગલમાં ડ્રોન અને હેલિકોપ્ટરની મદદથી આતંકવાદીઓની શોધ કરી રહ્યા છે.

આતંકીઓને શોધવા ડ્રોનનો ઉપયોગ

અધિકારીઓના અનુસાર રવિવારે સવારથી જ અભિયાન ફરી શરૂ કરાયું હતું. જંગલ વિસ્તારમાં ગુફા જેવી ઘણી જગ્યાઓ છે. આતંકવાદીઓને મોતને ઘાટ ઉતારવા માટે તેમનું ચોક્કસ લોકેશન જાણવા માટે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ડ્રોનથી મળેલા ફૂટેજનો ઉપયોગ કરીને શુક્રવારે સુરક્ષાદળોના બોમ્બમારા બાદ આતંકવાદી ભાગતો જોવા મળ્યો હતો. આતંકીઓ રહેણાંક વિસ્તારમાં ન સંતાઇ જાય તે માટે નજીકના વિસ્તારો સુધી કોર્ડનિંગ લંબાવાયું છે.


  • Follow us on: