• સરહદી લાઇફલાઇન જેવા હાઇવેના સમારકામ માટે ટીમ રવાના

  • ત્રણ દિવસ સુધી વાહનોને તે રસ્તે ના જવા એડવાઇઝરી જારી
  • હાઇવેને મોટું નુકસાન પહોંચતાં અવરજવર બંધ

અરુણાચલપ્રદેશના દિબાંગ જિલ્લાને બાકીના ભારત સાથે જોડતો નેશનલ હાઇવે-33નો એક ભાગ ભારે વરસાદમાં તૂટીને વહી ગયો છે. રસ્તાનું મોટાપાયે ધોવાણ થયું છે. સતત ભારે વરસાદ થઇ રહ્યો હોવાથી હાઇવેના આ વિસ્તારની ભેખડો તૂટી પડતાં રસ્તો પણ ભેખડો સાથે ધસી પડયો હતો. દિબાંગ ખીણ તે ચીનને અડીને આવેલો વિસ્તાર છે. હાઇવેને મોટું નુકસાન પહોંચતાં અવરજવર બંધ થઇ ગઇ છે. હાઇવેના સમારકામ માટે નેશનલ હાઇવેઝ એન્ડ ઇનફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન લિમિટેડ દ્વારા ટીમ રવાના થઇ ચૂકી છે. અધિકારીઓએ જણાવ્યું કે પુલ તૂટી ગયો છે ત્યાં આહારસામગ્રી સહિત તમામ જરૂરી સામગ્રી પહોંચાડવામાં આવી છે. હાઇવે ચીન સરહદી વિસ્તારો માટે જીવાદોરી રૂપ છે. સૈન્ય માટે તે લાઇફલાઇન છે. ચીનને સ્પર્શતી સરહદો સુધી પહોંચવા સૈન્ય આ જ હાઇવેનો ઉપયોગ કરે છે. હાઇવેને નુકસાન પહોંચ્યા બાદ રાજ્ય સરકારે ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી દીધી છે. કોઇપણ વાહનને આગામી ત્રણ દિવસ સુધી ત્યાંથી પસાર ના થવા સૂચના અપાઇ છે. સત્તાવાળાનું માનવું છે કે હાઇવે સમારકામ માટે કેટલાક દિવસ લાગી શકે છે. રાજ્યના આ કુદરતી સંકટ વિષે રાજ્યના મુખ્યપ્રધાન પેમા ખાંડૂએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે.'તે જાણીને ચિંતિત છું કે હુનલી અને અનિનિને જોડતા હાઇવેને નુકસાન પહોંચ્યું છે. પ્રવાસીઓને તેથી મુશ્કેલીનો સામનો કરવો પડશે. દિબાંગ ખીણને બાકીના ભારત સાથે પુનઃ જોડવા માટે સમારકામ શરૂ કરવા આદેશ જારી થઇ ચૂક્યા છે.


  • Follow us on: