- દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં કેજરીવાલની ધરપકડ
- PMLA કોર્ટમાં બંને પક્ષોની દલીલો થઇ પૂર્ણ
- SCમાંથી ધરપકડને પડકારતી અરજી કેજરીવાલે લીધી પરત
દિલ્હી દારૂ કૌભાંડ કેસમાં ગુરુવારે મોડી સાંજે EDએ CM કેજરીવાલની બે કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરી હતી. કેજરીવાલની ધરપકડ બાદ AAP દ્વારા વિરોધ કરવામાં આવ્યો.. ED દ્વારા કેજરીવાલને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરાયા છે. જેના વિરોધમાં આમ આદમી પાર્ટી આજે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરનો ઘેરાવ કરવામાં આવ્યો હતો જેમાં આપના મંત્રી સહિત કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
કેજરીવાલના ઘરની બહાર સુરક્ષા વધારી
અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAP કાર્યકર્તાઓનું પ્રદર્શન ચાલુ છે. અરવિંદ કેજરીવાલના ઘરની બહાર આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો વિરોધ કરી રહ્યા હતા, જેમને હવે પોલીસે ત્યાંથી હટાવી દીધા છે. અરવિંદ કેજરીવાલના ઘરની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
કેજરીવાલ વિરુદ્ધ અમારી પાસે નક્કર પુરાવા છે: ED
ઇડીએ જણાવ્યું હતું કે અમારી પાસે નક્કર પુરાવા છે કે એક્સાઇઝ પોલિસીમાં માત્ર ગોવાની ચૂંટણી માટે નાણાં એકત્ર કરવા બદલાવવામાં આવી હતી. આ મામલે ઉંડાણ પૂર્વક તપાસ કરવી પડશે જે માટે કેજરીવાલના રિમાન્ડ જરૂરી છે.
કેજરીવાલના રિમાન્ડ અંગે નિર્ણય સુરક્ષિત
અરવિંદ કેજરીવાલના રિમાન્ડ પર કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. રાઉઝ એવન્યુ કોર્ટે આ કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.
બંને પક્ષોની દલીલો પૂર્ણ
કેજરીવાલના વકીલ મનુ સિંઘવી સહિત 3 વકીલો દ્વારા દલીલો કરવામાં આવી હતી. જે પૂર્ણ થઇ ચૂકી છે. બંને પક્ષો તરફથી લગભગ 3 કલાક સુધી દલીલો ચાલી હતી.
ધરપકડ કરવાની જરૂર કેમ પડી ?- સિંઘવી
સીએમ કેજરીવાલ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે કોઈને દોષિત શોધવાનું કારણ અને ED પાસે ઉપલબ્ધ સામગ્રી વચ્ચે સંબંધ હોવો જોઈએ. સવાલ એ છે કે ધરપકડની જરૂર કેમ પડી? તેમણે કેજરીવાલની ધરપકડનો વિરોધ કર્યો અને કહ્યું કે ED પાસે બધું જ છે તો ધરપકડની શી જરૂર હતી? 80% લોકોએ કેજરીવાલના નામનો ઉલ્લેખ કર્યો નથી.
વર્તમાન સીએમની ધરપકડ થઇ હોય તેવુ પહેલીવાર- સિંઘવી
કેજરીવાલના વકીલ અભિશેક મનુ સિંઘવી કહી રહ્યા છે કે આ મામલે ધરપકડ કરવાની જરૂર નથી. વકીલ સિંઘવીએ કહ્યું કે ધરપકડનો આધાર શું છે? સાક્ષીઓના નિવેદનો? આવું પહેલીવાર બન્યું છે જ્યારે કોઈ રાજકીય પક્ષના ટોચના નેતાઓની ધરપકડ કરવામાં આવી હોય અને વર્તમાન મુખ્યમંત્રીની ધરપકડ કરવામાં આવી હોય.
કવિતાએ AAPને 100 કરોડ રૂપિયા આપ્યા-ED
કવિતાએ AAPના મોટા નેતાઓને લાંચ આપી હતી. કવિતાએ આમ આદમી પાર્ટીને 100 કરોડ રૂપિયા આપ્યા લાંચની રકમ રોકડમાં આપવામાં આવી હતી.
હવાલા દ્વારા રૂ. 45 કરોડ ગોવામાં ટ્રાન્સફર કરાયા-ED
આ સમયગાળા દરમિયાન, EDએ કેજરીવાલ વિશે ઘણા દાવા કર્યા છે. ઇડીએ બે લોકો વચ્ચેની ચેટ પણ રજૂ કરી હતી. ઇડીએ કહ્યું કે હવાલા દ્વારા 45 કરોડ રૂપિયા ગોવામાં ટ્રાન્સફર કરાયા હતા. અમારી પાસે તેમનો ફોન રેકોર્ડ પણ છે. વિજય નાયરની એક કંપની પાસેથી પણ પુરાવા મળ્યા છે. તેમણે જણાવ્યું કે કુલ ચાર રીતે પૈસા ગોવામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.
કેજરીવાલે કવિતાને દારૂની નીતિ પર કામ કરવા કહ્યું હતું: ED
EDએ કોર્ટને જણાવ્યું કે દારૂ કૌભાંડના આરોપી કવિતાનું નિવેદન પણ લેવામાં આવ્યું છે. નોંધાયેલા નિવેદનો અનુસાર કેજરીવાલ કવિતાને મળ્યા અને કહ્યું હતુ કે તેઓએ દિલ્હીની દારૂની નીતિ પર સાથે મળીને કામ કરવું જોઈએ.
બે વખત કેશ ટ્રાન્સફર કર્યા: ED
EDએ કહ્યું કે રોકડ બે વખત ટ્રાન્સફર કરવામાં આવી હતી. દારૂ કૌભાંડનો આરોપી વિજય નાયર કેજરીવાલ માટે કામ કરતો હતો. તેઓ કેજરીવાલની નજીક હતા. તે વચેટિયા તરીકે કામ કરતો હતો. કેજરીવાલે દક્ષિણ લોબી પાસેથી લાંચ માંગી હતી. અમારી પાસે તેની સામે લાંચ માંગવાના મજબૂત પુરાવા છે.
કેજરીવાલ દારૂ કૌભાંડના માસ્ટર માઇન્ડ- ED
રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી દરમિયાન EDએ કોર્ટને જણાવ્યું કે અરવિંદ કેજરીવાલ દિલ્હી દારૂ કૌભાંડના માસ્ટર માઇન્ડ છે. EDએ કહ્યું કે કેજરીવાલ દિલ્હી લિકર પોલિસીની રચનામાં સીધા સામેલ હતા. કેજરીવાલે લાંચ લેવામાં અમુક લોકોની તરફેણ કરી હતી. મળેલી રકમનો ઉપયોગ આમ આદમી પાર્ટીની ગોવાની ચૂંટણીમાં કરવામાં આવ્યો હતો.
10 દિવસની માંગી કસ્ટડી, 28 પાનાની દલીલો રજૂ
ઇડી દ્વારા 10 દિવસની કસ્ટડીની માંગ કરવામાં આવી છે. આ સાથે જ ઇડીએ અરવિંદ કેજરીવાલની ધરપકડ કેમ કરે તે અંગે 28 પાનાની દલીલો પણ કોર્ટમાં રજૂ કરવામાં આવી છે. મહત્વનું છે કે
EDના વકીલ એડિશનલ સોલિસિટર જનરલ એસવી રાજુએ કોર્ટને જણાવ્યું કે કેજરીવાલની ગુરુવારે રાત્રે 9.05 વાગ્યે ધરપકડ કરવામાં આવી હતી. તેને 24 કલાકની અંદર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. અમે તેની 10 દિવસની રિમાન્ડ અરજી આપી છે. અમે તમામ જોગવાઈઓનું પાલન કર્યું છે. આ અંગે તેમના પરિવારને પણ જાણ કરવામાં આવી હતી. EDએ કેજરીવાલની ધરપકડ અને તેમના ઘરે દરોડાની ફાઇલ પણ કોર્ટને બતાવી.
સુનાવણી શરૂ
અરવિંદ કેજરીવાલ પર રાઉઝ એવન્યુ કોર્ટમાં સુનાવણી શરૂ થઇ ગઇ છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ઇડી 10 દિવસની કસ્ટડી માગી શકે છે. આ માગે તેમણે 4 ભાગમાં લીગલ સ્ટ્રેટજી તૈયાર કરી છે. અદાલતની બહાર હાલ મોટી સંખ્યામાં ભીડ છે. કોર્ટરૂમની બહાર ધક્કામુક્કીનો માહોલ જોવા મળી રહ્યો છે. જજ કાવેરી બાવેજાએ કોર્ટરૂમમાં હાજર લોકોને કોર્ટમાં ભીડ ન કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું કે અમારી પાસે મર્યાદિત જગ્યા છે.
કોર્ટ પહોંચ્યા કેજરીવાલ
કેજરીવાલને ઇડી દ્વારા રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરાયા છે.તેઓ હાલમાં કોર્ટરૂમમાં છે અને આ કેસની સુનાવણી ટૂંક સમયમાં શરૂ થશે. ઇડી કેજરીવાલના 10 દિવસની કસ્ટડી માંગી શકે છે.
કેજરીવાલે SCમાંથી અરજી પરત ખેંચી
મહત્વનું છે કે અરવિંદ કેજરીવાલે પોતાની ધરપકડને સુપ્રીમ કોર્ટમાં પડકારી હતી. પરંતુ હવે આ અરજીને પરત ખેંચી લેવામાં આવી છે. કેજરીવાલ ધરપકડ અરજી અંગે નીચલી કોર્ટમાં જશે તેમ માહિતી સામે આવી છે. મહત્વનું છે કે કેજરીવાલને બપોરે 2.30 કલાકે કોર્ટમાં રજૂ કરાશે.
EDએ SCમાં કેવિયેટ દાખલ કરી
આ સિવાય કેજરીવાલની ધરપકડ સામે સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી થશે. જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બેલા એમ ત્રિવેદી અને જસ્ટિસ એમએમ સુંદરેશની બેન્ચ આની સુનાવણી કરશે. EDએ કોર્ટમાં કેવિયેટ પણ દાખલ કરી છે. EDએ કોર્ટ પાસે માંગ કરી છે કે કોઈપણ નિર્ણય આપતા પહેલા અમારો પક્ષ સાંભળવામાં આવે.
144 લાગુ કરાઇ
ED ઓફિસની નજીક પણ કલમ 144 લાગુ કરવામાં આવી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટીના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસે ITO પર કલમ 144 લગાવી દીધી છે.
ED કેજરીવાલની 10 દિવસની કસ્ટડી માંગશે
ED કેજરીવાલની 10 દિવસની કસ્ટડી માંગી શકે છે. ED શરત રેડ્ડી, સમીર મહેન્દ્રુ, રાઘવ રેડ્ડીના નિવેદનના આધારે કેજરીવાલની કસ્ટડીની માંગ કરશે. આ તમામ આરોપીઓએ EDને જણાવ્યું હતું કે 100 કરોડની લાંચમાં કેજરીવાલની ભૂમિકા હતી. EDનું કહેવું છે કે તેણે કેજરીવાલ અને સમીર મહેન્દ્રુ વચ્ચેની ફોન વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેમાં કેજરીવાલે કહ્યું હતું કે વિજય નાયર મારા માણસ છે. તમે તેના પર વિશ્વાસ કરી શકો છો.
આતિશી સૌરભ ભારદ્વાજની અટકાયત
દિલ્હીમાં ITO ખાતે પાર્ટીના વિરોધ દરમિયાન પોલીસે દિલ્હી AAPના મંત્રી આતિશીની અટકાયત કરી હતી. એક્સાઇઝ પોલિસી કેસમાં ED દ્વારા સીએમ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી વિરોધ કરી રહી છે. વિરોધ કરી રહેલા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ આતિશી અને સૌરભ ભારદ્વાજની અટકાયત કરવામાં આવી છે. આ સાથે ઈમરાન હુસૈન અને પંજાબના મંત્રી હરજોત બેન્સની પણ અટકાયત કરવામાં આવી છે. પ્રદર્શન દરમિયાન દિલ્હી પોલીસે તેમને બસમાં રોકી લીધા હતા.









