અરજીમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં જ સુપ્રીમ કોર્ટે દેશભરમાં બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધનો આદેશ આપ્યો હતો, પરંતુ તેમ છતાં આસામના સોનાપુરમાં બુલડોઝરની કાર્યવાહી ચાલી રહી છે. કોઈપણ સૂચના આપ્યા વિના તેમના મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે.
આસામના સોનાપુરમાં બુલડોઝર કાર્યવાહીના મામલામાં આજે એટલે કે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન અવમાનના દાખલ કરનાર અરજીકર્તાના વકીલ હુઝૈફા અહમદીએ કહ્યું કે આસામમાં સુપ્રીમ કોર્ટના આદેશોનું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. આના પર જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ કેવી વિશ્વનાથનની ખંડપીઠે આસામ સરકારને નોટિસ જારી કરીને યથાસ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે. આ સાથે કોર્ટે ત્રણ સપ્તાહમાં જવાબ માંગ્યો છે.













