આસામના દિમા હસાઓ જિલ્લામાં ડિબ્લોંગ સ્ટેશન પર અગરતલા-લોકમાન્ય તિલક ટર્મિનલ એક્સપ્રેસના આઠ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. પૂર્વોત્તર સરહદ રેલવેના અધિકારીઓએ આ માહિતી આપી હતી. અધિકારીઓએ જણાવ્યું કે, હજુ સુધી કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના સમાચાર નથી. તેમણે જણાવ્યું કે, બપોરે 3.55 વાગ્યે બનેલી આ દુર્ઘટનાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. જો કે, પાટા પરથી ઉતરી ગયેલા કોચમાં ટ્રેનની પાવર કાર (જનરેટર પાર્ટ) અને એન્જિન પણ સામેલ હતા.
ટ્રેન વ્યવહાર ખોરવાયો
રેલવે અધિકારીઓએ જણાવ્યું હતું કે, લુમડિંગથી એક અકસ્માત રાહત મેડિકલ ટ્રેન વરિષ્ઠ અધિકારીઓ સાથે બચાવ અને પુનઃસ્થાપન કાર્યની દેખરેખ માટે પહેલાથી જ સ્થળ માટે રવાના થઈ ગઈ છે. તેમણે માહિતી આપી હતી કે, લુમડિંગ-બદરપુર સિંગલ લાઇન હિલી સેક્શન પર ટ્રેનોનું સંચાલન સ્થગિત કરવામાં આવ્યું છે.
અગરતલાથી નીકળી હતી ટ્રેન
આ મામલે નોર્થઈસ્ટ ફ્રન્ટિયર રેલવેના સીપીઆરઓએ જણાવ્યું કે, આજે સવારે અગરતલાથી નીકળેલી 2520 અગરતલા-લોકમાન્ય તિલક ટર્મિનસ એક્સપ્રેસ લુમડિંગ ડિવિઝન હેઠળના ડિબ્લોંગ સ્ટેશન પર લુમડિંગ-બદરપુર હિલ સેક્શનમાં લગભગ 3.55 વાગ્યે પાટા પરથી ઉતરી ગઈ હતી. જેમાં ટ્રેનની પાવર કાર અને એન્જિન સહિત કુલ 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે.
હેલ્પલાઈન નંબર જાહેર કરાયા
જો કે, કોઈ જાનહાનિ કે ગંભીર ઈજાના અહેવાલ નથી. અકસ્માત રાહત ટ્રેન અને અકસ્માત રાહત મેડિકલ ટ્રેન બચાવ અને પુનઃસ્થાપન કામગીરી પર દેખરેખ રાખવા ડિવિઝનના વરિષ્ઠ અધિકારીઓ સાથે લુમડિંગથી સ્થળ તરફ રવાના થઈ છે. લુમડિંગ-બદરપુર સિંગલ લાઇન સેક્શન પર ટ્રેન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. આ અકસ્માત બાદ લુમડિંગમાં હેલ્પલાઇન નંબર 03674 263120, 03674 263126 જાહેર કરવામાં આવ્યા છે.
દેશભરમાં સતત બની રહ્યા છે ટ્રેનના અકસ્માત
નોંધનીય છે કે, થોડા દિવસો અગાઉ તમિલનાડુના તિરુવલ્લુરમાં મૈસુર-દરભંગા બાગમતી એક્સપ્રેસ દુર્ઘટનાનો શિકાર બની ગઈ હતી. આ અકસ્માતમાં 19 લોકો ઈજાગ્રસ્ત થયા છે. બાગમતી એક્સપ્રેસ માલગાડી સાથે અથડાઈ જતાં ઘટનાસ્થળે હોબાળો મચી ગયો હતો. ટ્રેનના એક ડબ્બામાં પણ આગ લાગી હતી. અકસ્માતના સમાચાર મળતાની સાથે જ ઘટનાસ્થળે રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતું.