- પોતાના જીવની પરવાહ વગર RPFના બે જવાનોએ બે જીવ બચાવ્યા
- ચાલુ ટ્રેનમાં ભીડને કારણે ધક્કો લાગવાથી પડેલી મહિલા બાળકને બચાવ્યા
- પોતાની પરવાહ કર્યા વગર અને સમય સુચકતા વાપરીને બે જીંદગીઓને બચાવી
મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં એક વાર ફરી RPFના બે જવાનોએ ચાલુ ટ્રેનમાં ભીડને કારણે ધક્કો લાગવાથી પડેલી મહિલા અને તેના માસુમ બાળકને દીલધડક રીતે બચાવ્યા છે. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને RPFના બે જાંબાજ જવાનોની ભરપેટ પ્રશંસા થઇ રહી છે. જેમણે જીવના જોખમે પોતાની પરવાહ કર્યા વગર અને સમય સુચકતા વાપરીને બે જીંદગીઓને બચાવી લીધી.
ન્યૂઝ એજન્સી ANIએ એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે બંને જવાનોએ પોતાના જીવની પરવાહ કર્યા વગર મહિલા અને તેના બાળકને મોતના મુખમાંથી બચાવી લીધા. આ ઘટના માનખુર્દ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર બેની છે. મહિલા તેના બાળક સાથે આ સ્ટેશન પર ટ્રેનમાં ચઢે છે, પરંતુ લોકોની ભીડને કારણે તેનું સંતુલન ખોરવાઈ જાય છે અને તે સ્ટેશન પ્લેટફોર્મ પર જ ચાલતી ટ્રેનમાંથી પડી જાય છે.
આ પછી, એક આરપીએફ જવાન કૂદીને બાળકને ટ્રેનની અડફેટે આવતા બચાવે છે. થોડી વારમાં આગળ જતા મહિલા પણ ટ્રેનમાંથી પડી જાય છે, ત્યારે અન્ય જવાન તેને બચાવે છે. આશ્ચર્યની વાત એ છે કે આરપીએફ જવાન પોતે જ ટ્રેનની અડફેટે આવવાથી બચી જાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણો શેર થઈ રહ્યો છે અને આ બંને જવાનોની બહાદુરીને સલામ પણ કરવામાં આવી રહી છે.









