સોશિયલ મીડિયા પર લોકો ખુલ્લેઆમ કોઈ પણ બાબત અંગે તેમના સારા અને ખરાબ અભિપ્રાય વ્યક્ત કરે છે. હવે જો આનાથી કોઈને દુઃખ થાય છે તો ઓનલાઈન ચર્ચા થાય છે અને સોશિયલ મીડિયા યુઝર્સ આ મુદ્દે બે બાજુ વહેંચાઈ જાય છે. હાલમાં જ એક ઓસ્ટ્રેલિયન યુટ્યુબરને ટ્વિટર પર તેની પોસ્ટને કારણે આવી જ ચર્ચા અને ટીકાનો સામનો કરવો પડ્યો હતો.
આ બધું ત્યારે શરૂ થયું જ્યારે એક વ્યક્તિએ ઈન્સ્ટાગ્રામ પર ભારતીય ફૂડ પ્લેટની તસવીર પોસ્ટ કરી હતી.તેના કેપ્શનમાં તેણે લખ્યું હતું કે,'ભારતીય ખોરાક આખી પૃથ્વી પર શ્રેષ્ઠ છે. જો તમે ઇચ્છો તો આ બાબતે મારી સાથે લડો. આ વ્યક્તિની પોસ્ટ પર ડો. સિડની વોટસને લખ્યું હતું કે, 'ના, એવું બિલકુલ નથી'. આગળની પોસ્ટમાં તેણે લખ્યું હતું કે, 'જો તમારે તમારા ભોજનને ખાવા યોગ્ય બનાવવા માટે તેમાં ગંદા મસાલા ઉમેરવા પડે, તો તમારું ભોજન સારું નથી.'

લોકોએ ભારતીય ફુડ પર આપી આ પ્રતિક્રિયા
સિડનીની આ પોસ્ટ પર માત્ર ભારતીયો જ નહીં પરંતુ વિદેશીઓએ પણ તેમના પર હુમલો કર્યો અને કહ્યું હતું કે અમે તમારી સાથે સહમત નથી. લોકોએ કમેન્ટ્સમાં તેની ખૂબ ટીકા કરી હતી. કોઈએ લખ્યું હતું કે, 'સિડનીના મોંમાં સ્વાદની કળીઓ નથી તેથી તેને દોષ ન આપો.' એકે લખ્યું- 'કોણ ધ્યાન રાખે છે? તમે માત્ર બાફેલા બટેટા ખાવા માટે યોગ્ય છો, અમે અમારું સ્વાદિષ્ટ ભોજન ખાઈએ છીએ. એક યુઝરે લખ્યું હતું કે, 'ભારતમાં તમને 5 હજાર પ્રકારની વાનગીઓ મળશે જ્યારે પશ્ચિમી દેશોમાં તમને ભાગ્યે જ 10 મળશે.'
એકે લખ્યું હતું કે, કોણ જાણે આ 'ગંદા મસાલા'એ દુનિયાને કેટલી સ્વાદિષ્ટ વાનગીઓ ખવડાવી છે. બીજાએ આનંદ સાથે લખ્યું કે, યુરોપિયન દેશો ભારતમાં આ મસાલાના વેપાર પર નિયંત્રણ મેળવવા માટે લડતા હતા. એક યુઝરે કહ્યું કે, 'ભારતીય ફૂડ એ સંસ્કૃતિ, પરંપરા અને પ્રેમની ઉજવણી છે. જો તમને તે ગમતું નથી, તો તે તમારું નુકસાન છે.