પર્યટકો અને શ્રાદ્ધાળુઓની પ્રથમ પસંદગી બની ગયેલી રામનગરી અયોધ્યા નવા નવા રેકોર્ડ નોંધાવી રહી છે. વાર્ષિક આવકની બાબતમાં રામમંદિર દેશનું ત્રીજું સૌથી મોટું મંદિર બની ગયું છે.


રામલલાની પ્રાણપ્રતિષ્ઠા પછી અત્યાર સુધીમાં અયોધ્યામાં 13 કરોડ કરતાં વધારે શ્રાદ્ધાળુઓ અને પર્યટકો પહોંચ્યા છે. મંદિરની વાર્ષિક આવક 700 કરોડ રૂપિયાની પાર પહોંચી છે. વાર્ષિક આવકની બાબતમાં રામ મંદિરે સુવર્ણ મંદિર, વૈષ્ણોદેવી અને શિરડી સાઇ મંદિરને પાછળના ક્રમે ખસેડી દીધા છે. અયોધ્યા ઉત્તરપ્રદેશની અર્થવ્યવસ્થાની સાથોસાથ દેશની અર્થવ્યવસ્થાના વિકાસમાં પોતાનું મહત્ત્વનું યોગદાન આપી રહ્યું છે. હાલના સમયે અયોધ્યામાં શ્રાદ્ધાળુઓ અને પર્યટકોની સંખ્યા લગભગ બેથી પાંચ લાખ વચ્ચે રહે છે, જેના માટે સર્વસુલભ દર્શન અને રહેવાની વ્યવસ્થા કરવી એક મહત્ત્વનો પડકાર બની ગયો છે. શ્રાદ્ધાળુઓના વધતા જતા પ્રવાહના કારણે રામ મંદિર હવે ધાર્મિક દાન મેળવનાર ભારતનાં ટોચનાં 10 મહત્ત્વપૂર્ણ મંદિરોની યાદીમાં ત્રીજા સ્થાને આવી ગયું છે. રામમંદિરમાં મોટી સંખ્યામાં શ્રાદ્ધાળુઓ દાનની રકમ આપે છે. આ ઉપરાંત, સાનો-ચાંદી પણ ચઢાવે છે. ઉત્તરપ્રદેશ-ઉત્તરાખંડ ઇકોનોમિક અસોસિએશનના મહાસચિવ પ્રો. વિનોદ શ્રીવાસ્તવે કહ્યું કે એક અભ્યાસ અને અનુમાન અનુસાર, 2024-25માં આંધ્રપ્રદેશના તિરુપતિ વેંકટેશ્વર મંદિરની વાર્ષિક દાનની રકમ લગભગ 1,500થી 1,650 કરોડ રૂપિયા રહી, બીજા સ્થાને કેરળ તિરુવનંતપુરમનું શ્રી પદ્મનાભમ સ્વામી મંદિર છે, જેની વાર્ષિક દાનની રકમ લગભગ 750થી 850 કરોડ રૂપિયા છે.

એક જ મહિનામાં રૂ.15 કરોડનું દાન મળ્યું

રામનગરી અયોધ્યા આવી રહેલા શ્રાદ્ધાળુઓ દ્વારા દાનનો રેકોર્ડ પણ તૂટી રહ્યો છે. મહાકુંભમાં ત્રિવેણીમાં સ્નાન કર્યા બાદ શ્રાદ્ધાળુ અયોધ્યા પહોંચી રહ્યા છે. મકરસંક્રાંતિથી રામ મંદિરમાં દરરોજ ચાર લાખ શ્રાદ્ધાળુ દર્શન-પૂજન કરી રહ્યા છે. મંદિર ટ્રસ્ટ કાર્યાલયના પ્રભારી પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું કે 10 દાન કાઉન્ટર પર દરરોજ 10 લાખ રૂપિયા કરતાં વધારે દાન આવી રહ્યું છે. એક અનુમાન અનુસાર, મહાકુંભના એક મહિનામાં લગભગ 15 કરોડ કરતાં વધારે દાન જમા થયું છે. જેમાં રામલલાની સમક્ષ રાખવામાં આવેલાં છ દાનપાત્રોમાં આપવામાં આવેલાં દાનનો પણ સમાવેશ થાય છે.


  • Follow us on: