મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા બાબા સિદ્દીકીની હત્યા પર રાજનીતિ શરૂ થઈ ગઈ છે. વિપક્ષ શિંદે સરકાર પર પ્રહારો કરી રહી છે. ત્યારે આ વચ્ચે બિહારના અપક્ષ સાંસદ પપ્પુ યાદવે ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને ખુલ્લો પડકાર ફેંક્યો છે. પપ્પુ યાદવે કહ્યું છે કે જો કાયદો પરવાનગી આપશે તો તે 24 કલાકમાં લોરેન્સ બિશ્નોઈનું નેટવર્ક ખતમ કરી નાંખું.
પપ્પૂ યાદવની ઓપન ચેલેન્જ
પૂર્ણિયાના સાંસદ પપ્પૂ યાદવે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખી છે જેમાં તેમણે વિવાદાસ્પદ શબ્દોનો પ્રયોગ કર્યો છે. તેમણે કહ્યું કે એક અપરાધી જેલમાં બેસીને પડકાર ફેંકી રહ્યો છે. લોકોને મારી રહ્યો છે. તમામ લોકો મૂક દર્શક બનીને જોઇ રહ્યો છે. પપ્પૂ યાદવે કહ્યું કે લોરેન્સ બિશ્નોઇએ મૂસેવાલાને માર્યો, તો ક્યારેક કરણી સેનાના પ્રમુખને અને હવે ઉદ્યોગપતિ અને રાજનેતાને મારી નંખાયા. પપ્પૂ યાદવે લોરેન્સ બિશ્નોઇને બે ટકાનો ગુનેગાર ગણાવ્યો અને પડકાર ફેંક્યો કે જો કાયદો મને અનુમતિ આપે તો 24 કલાકમાં લોરેન્સ બિશ્નોઇ જેવા 2 ટકાના ગુનેગારનું આખુ નેટવર્ક ખતમ કરી દઉં.
બાબા સિદ્દીકીને બિહારનો પુત્ર ગણાવ્યો
મહત્વનું છે કે પપ્પૂ યાદવે જે પોસ્ટ કરી હતી તેમાં બાબા સિદ્દીકીને બિહારનો પુત્ર ગણાવ્યો હતો. વાસ્તવમાં બાબા સિદ્દીકી બિહારના હતા અને બાદમાં મુંબઈ જઈને પોતાની રાજનીતિની શરૂઆત કરી હતી. જેમાં તેમણે મહારાષ્ટ્રના મહાજંગલરાજનું વર્ણન કર્યું હતું. આ સાથે જ તેમણે લખ્યું હતું કે વાય સિક્યુરિટીમાં પૂર્વ સરકાર સમર્થક મંત્રી બાબા સિદ્દીકીની હત્યા મહારાષ્ટ્રમાં મહાજંગલરાજનો શરમજનક પુરાવો છે. બિહારના પુત્ર બાબા સિદ્દીકીની હત્યા અત્યંત દુઃખદ છે. જો ભાજપની ગઠબંધન સરકાર પોતાના પક્ષના આવા પ્રભાવશાળી નેતાઓને બચાવવા સક્ષમ ન હોય તો સામાન્ય લોકોનું શું થશે?
શનિવારે થઇ હતી હત્યા
ઉલ્લેખનીય છે કે એનસીપી નેતા બાબા સિદ્દીકીની શનિવારે મોડી રાત્રે મુંબઈના બાંદ્રા વિસ્તારમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. તેમની હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. બિશ્નોઈ ગેંગે સલમાન ખાન અને દાઉદ ગેંગના નજીકના લોકોને પણ ધમકી આપી હતી. તેમણે કહ્યું કે આવા લોકોએ પોતાનો હિસાબ રાખવો જોઈએ. મહત્વનું છે કે બાબા સિદ્દીકીને રાજનીતિની સાથે-સાથે બોલિવૂડના લોકો સાથે પણ ગાઢ સંબંધ હતો. તેમની ઈફ્તાર પાર્ટીઓમાં મોટી મોટી હસ્તીઓ આવતી હતી. તેઓ તાજેતરમાં કોંગ્રેસ પાર્ટી છોડીને NCP (અજિત પવાર)માં જોડાયા હતા.